Thu Apr 30 2026

Logo

માનવતાની મહેક: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1 દિવસમાં 2 અંગદાન, 6 જણને મળ્યું નવજીવન

2026-03-16 20:32:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ ફરી માનવતાના અનોખા મિલનનું સાક્ષી બન્યું છે, જ્યારે સમગ્ર મુસ્લિમ સમાજ રમઝાનની બંદગીમાં લીન છે, ત્યારે જૂનાગઢના એક પરિવારે પોતાની વ્હાલસોયા સ્વજનના અંગોનું દાન કરીને માનવતાનો ધર્મ અદા કર્યો છે. 

હોસ્પિટલના કોરિડોરમાં એકતરફ ડૉક્ટરોની મૌન પ્રાર્થના અને બીજી તરફ સ્વજનો દ્વારા પઢવામાં આવતા 'કલમા'એ એક એવું વાતાવરણ સર્જ્યું હતું કે ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટનાએ સામાજિક જાગૃતિનો નવો રસ્તો ચીંધ્યો છે.

જૂનાગઢના કેશોદ પાસે અકસ્માતનો ભોગ બનેલા 51 વર્ષીય જેબુનબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા પરિવાર ભાંગી પડ્યો હતો. જોકે, આ મુશ્કેલ સમયમાં સામાજિક આગેવાનોના માર્ગદર્શનથી પરિવારે અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

જેબુનબેનના અંગદાનથી બે કિડની અને એક લીવર પ્રાપ્ત થયા છે, જે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપશે. મુસ્લિમ સમાજ તરફથી મળેલું આ નવમું અંગદાન છે, જે બદલાતા સમાજની સકારાત્મક તસવીર રજૂ કરે છે.

સિવિલ હોસ્પિટલમાં માત્ર 14 કલાકના ટૂંકા ગાળામાં બે અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેબુનબેન ઉપરાંત, આઈસીયુમાં સારવાર લઈ રહેલી એક 25 વર્ષીય યુવતી પણ બ્રેઈનડેડ જાહેર થતા તેના પરિવારે પણ અંગદાનની સંમતિ આપી હતી. 

આ યુવતીના અંગોનું ગુપ્તદાન કરવામાં આવ્યું હતું, જેનાથી વધુ બે કિડની અને એક લીવર મળ્યા છે. આમ, માત્ર એક દિવસમાં જ હોસ્પિટલના ડૉક્ટરોની મહેનત અને બે પરિવારોના ઉમદા નિર્ણયથી કુલ 6 વ્યક્તિઓના જીવન બચાવી શકાયા છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ ઘટનાને સામાજિક ક્રાંતિ ગણાવી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 231 દાતાઓ દ્વારા કુલ 995 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જેના થકી 742 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. જ્યારે ધર્મગુરુઓ અને સમાજના મોભીઓ અંગદાન જેવા વિષયમાં સાથે જોડાય છે, ત્યારે લોકોમાં વિશ્વાસ વધે છે. સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં આ અંગોનું પ્રત્યારોપણ કરીને જરૂરિયાતમંદોના ઘરે ફરી ખુશીઓ લાવવામાં આવી છે.