Thu Sep 03 2026

Logo

કોંગોથી આવેલા આફ્રિકન વેપારીનો ઇબોલા રિપોર્ટ આવ્યો ‘નેગેટિવ’, આરોગ્ય પ્રધાને આપી જાણકારી

2026-05-28 20:45:43
Author: અમદાવાદ ઇબોલા રિપોર્ટ
કોંગોથી આવેલા આફ્રિકન વેપારીનો ઇબોલા રિપોર્ટ આવ્યો ‘નેગેટિવ’, આરોગ્ય પ્રધાને આપી જાણકારી

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ચિંતા સર્જી છે તેવા ઇબોલા વાયરસ (Ebola Virus)ના શંકાસ્પદ કેસ મામલે અમદાવાદથી બહુ મોટા રાહતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આફ્રિકન દેશ કોંગોથી ભારત આવેલા 37 વર્ષીય અશ્વેત વેપારી અમૂરી લોકુલાનો ઇબોલા વાયરસનો લેબોરેટરી ટેસ્ટ સંપૂર્ણપણે નેગેટિવ આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

કોંગોથી ભારત પરત ફરેલા અમૂરી લોકુલા આશરે 11 દિવસ પહેલાં સૌથી પહેલા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાના વ્યાપારિક કામકાજ અર્થે સિલવાસા અને દમણ પણ ગયા હતા. જોકે, ત્યાં તેમની તબિયત અચાનક બગડી હતી. અતિશય તાવ અને શરદી-ખાસીની ફરિયાદ બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વડોદરાના ડોક્ટરોને જ્યારે દર્દીની આફ્રિકન ટ્રાવેલ હિસ્ટ્રીની ખબર પડી, ત્યારે તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું અને ગંભીરતા જોઈ તેમને તાબડતોબ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા.

આ કેસમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, કોંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે’

સંપર્કમાં આવેલા ત્રણ લોકો પણ ક્વોરેન્ટાઇન

સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા કોઈ કચાસ રાખવામાં આવી નથી. દર્દી અમૂરી લોકુલાના સીધા સંપર્કમાં આવેલા ત્રણ લોકોને તકેદારીના ભાગરૂપે અલગ વોર્ડમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ત્રણ પૈકી બે લોકો એવા છે જેઓ દર્દી સાથે મુસાફરી કરી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ત્રણમાંથી એક પણ વ્યક્તિમાં ઇબોલાના કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી, છતાં તેમને ચોક્કસ સમયગાળા સુધી ઓબ્ઝર્વેશનહેઠળ રાખવામાં આવશે.

શા માટે વધી ગઈ હતી આરોગ્ય વિભાગની ચિંતા?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં જ આફ્રિકન દેશો કોંગો અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા ઇબોલા વાયરસને પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ વાયરસ અત્યંત ચેપી અને ઘાતક છે, જે મનુષ્યો અને પ્રાણીઓમાં ખૂબ ઝડપથી ફેલાય છે. આ અગાઉ કર્ણાટકના બેંગલુરુમાં પણ યુગાન્ડાથી આવેલી એક મહિલામાં આવા લક્ષણો દેખાયા હતા, જોકે તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. અમદાવાદનો આ રિપોર્ટ નેગેટિવ આવતા હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં અત્યારે કોઈને ડરવાની બિલકુલ પણ જરૂર નથી.