Mon Sep 14 2026

Logo

કેબલ બ્રિજ પછી, ભાટ સર્કલમાં અંડરપાસ બનશે, લાંબા સમયની માગણી થશે પૂરી

2026-07-15 18:29:57
Author: Pooja Shah
કેબલ બ્રિજ પછી, ભાટ સર્કલમાં અંડરપાસ બનશે, લાંબા સમયની માગણી થશે પૂરી

અમદાવાદઃ શહેરના વ્યસ્ત ગણાતા ભાટ સર્કલ નજીક ટ્રાફિક હળવો કરવા માટે વધુ એક પગલું ભરતા, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) એ જંકશન પર એક અંડરપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંડરપાસને ઔડા દ્વારા 2022માં 50 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે બનાવવામાં આવ્યો ન હતો. મનપાએ હવે સરદાર પટેલ રિંગ રોડના ચાલી રહેલા છ-લેનિંગના ભાગ રૂપે તેને બનાવવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે 2019માં કાર્યરત થયેલો આ પુલ 76 કિમી લાંબા એસપી રિંગ રોડ પરના આ વ્યસ્ત જંકશન પર બનાવવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન (આર એન્ડ બી) વિભાગે 135.7 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પુલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જેમાં ઔડા બાંધકામ ખર્ચનો અડધો ભાગ શેર કરવા સંમત થયું હતું, તેમ અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. લગભગ તે જ સમયે, ઔડાએ સર્કલ પર એક અંડરપાસને પણ મંજૂરી આપી. જોકે, કેબલ-સ્ટેડ બ્રિજનું બાંધકામ ચાલુ રહ્યું અને પૂરું પણ થયું, પરંતુ અંડરપાસ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં.

અહેવાલ અનુસાર ઓથોરિટીએ હવે 2,200 કરોડ રૂપિયાના એસપી રિંગ રોડ છ-લેનિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ રાજસ્થાન સર્કલ પર લાંબા સમયથી પડતર અંડરપાસ આખરે બનાવવામાં આવશે.અધિકારીએ જણાવ્યું હતું કે એસપી રિંગ રોડના પૂર્વ અને પશ્ચિમ ભાગને પહોળો કરવા માટે ટેન્ડરો પહેલાથી જ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં હાલના સર્વિસ રોડને પહોળો કરવાનો પણ સમાવેશ થાય છે, અને ભાટ સર્કલ ખાતેનો અંડરપાસ હવે એકંદર રોડ પહોળા કરવાના ભાગ રૂપે થશે, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી હતી.