ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર એવા ગાંધીધામ શહેરના લીલાશાહ સર્કલ નજીક વેપાર-ધંધો ધરાવતા એક વેપારી તથા તેમના મહિલા ધારાશાસ્ત્રીને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને જેલહવાલે કરાવવાની ધાકધમકી આપી રૂ.૧.૫૦ કરોડની તોતિંગ ખંડણી માંગવાના પ્રકરણમાં દંપતી સામે પોલીસ ચોપડે ગુનો નોંધાતાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શક્તિનગરમાં રહેતા અને 'અશોક ટ્રેડિંગ' પેઢી ચલાવતા અશોક ધીરામલ મોતિયાણીએ જિતેન્દ્ર ઉર્ફે જીતુ શંકર વઝીરાણી અને તેના પત્ની દીપા વઝીરાણી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વર્ષ ૨૦૧૬માં આરોપી જિતેન્દ્ર પાસેથી મુંદરાના હઝી ખાતેનો પ્લોટ રૂ. ૩૦ લાખમાં ખરીદવાનું નક્કી કરી નાણાં ચૂકવી દીધા હતા. જોકે, આરોપીએ અસલ કાગળો આપ્યા બાદ વધુ નાણાંની માંગણી કરી દસ્તાવેજ કરી આપ્યો ન હતો.
ત્યારબાદ, આરોપીએ લીધેલા હાથ ઉછીના નાણાં પેટે આપેલા સાત ચેક બેંકમાંથી પરત ફરતાં, ફરિયાદીએ નોટરી એડવોકેટ સપનાબેન દાદલાણી મારફતે લખાણ કરાવી ગાંધીધામ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત પ્લોટ અન્ય કોઈને ન વેચી શકાય તે માટે મુંદરા કોર્ટમાં પણ દાવો કર્યો હતો.
કોર્ટ કાર્યવાહીથી અકળાયેલા આરોપી દંપતીએ પોતાના ન્યૂઝ માધ્યમમાં ફરિયાદી તથા મહિલા વકીલ વિરુદ્ધ ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ સમાધાન પેટે ફરિયાદી પાસેથી રૂ.૧ કરોડ અને નોટરી એડવોકેટ પાસેથી રૂ.૫૦ લાખ મળી કુલ રૂ.૧.૫૦ કરોડની ખંડણી માંગી હતી. નાણાં નહીં આપે તો જમીનના બોગસ દસ્તાવેજ કેસ અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ખોટી અરજીઓ કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી દંપતી સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય