Mon Oct 05 2026

Logo

મુંબઈમાં ૧૪ ફૂટથી ઊંચા ઝૂંપડપટ્ટીના બાંધકામ તોડવાનું સ્થગિત કરો: સર્વપક્ષીય નગરસેવકોની માગણી બાદ સભાગૃહ સ્થગિત

2026-09-29 10:49:00
Author: Sapna Desai
મુંબઈમાં ૧૪ ફૂટથી ઊંચા ઝૂંપડપટ્ટીના બાંધકામ તોડવાનું સ્થગિત કરો: સર્વપક્ષીય નગરસેવકોની માગણી બાદ સભાગૃહ સ્થગિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ)ના પ્રતિનિધિમંડળોએ સોમવારે પાલિકા  કમિશનર અશ્ર્વિની ભીડેને મુલાકાત લઈને  ૧૪ ફૂટથી ઊંચા ઝૂંપડાના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના પગલાને પાછું ખેંચવાની માગણી કરી હતી.  ૧૪ ફૂટથી વધુની અનધિકૃત ઝૂંપડપટ્ટી સામે પાલિકાની સૂચિત કાર્યવાહીએ રાજકીય તોફાન સર્જ્યું છે. નગરસેવકોએ  પણ પ્રશાસનના નિર્ણય પર નારાજી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની સાથે ચર્ચા કર્યા વગર પ્રશાસને નિર્ણય લીધો હતો અનમે હવે મતદારોનો સામનો કરવો કેવી રીતે?

મુંબઈ કૉગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડ અને પક્ષના નગરસેવકોએ  ૧૮ ફૂટ સુધીના ઝૂંપડપટ્ટીના બાંધકામોને ૧૪ ફૂટથી વધુ ઊંચાઈવાળાઓને લક્ષ્ય બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા.  વર્ષા ગાયકવાડે પાલિકાને ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા ૩૯,૧૧૧ ઝૂંપડપટ્ટીના બાંધકામો સામેની પ્રસ્તાવિત તોડફોડની કાર્યવાહી તાત્કાલિક અટકાવવા વિનંતી કરી હતી અને અસરગ્રસ્ત પરિવારો માટે અગાઉથી પુનર્વસનની માંગ કરી હતી. તેમણે પાલિકા કમિશનર અશ્ર્વિની ભિડેને લખેલા પત્રમાં તહેવારોની મોસમ દરમ્યાન આયોજિત ત્રણ મહિનાની તોડફોડની ઝુંબેશની ટીકા કરી હતી. પાલિકાને  કાયદાકીય  પ્રક્રિયાઓનું પાલન કરવા, માળખાકીય ઓડિટ કરવા અને પાત્ર રહેવાસીઓને વિસ્થાપનથી બચાવવા અનુરોધ કર્યો હતો. 

પાલિકામાં વિરોધપક્ષ નેતા કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી સામે પક્ષનો વિરોધ નથી પણ આગામી ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં દસ્તાવેજો પૂર્ણ કર્યા વિના ૧૪ ફૂટથી વધુ ઊંચાઈના બાંધકામ સામેે જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ.જ્યારે કલેક્ટર, મ્હાડા કે સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, ત્યારે એકલા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે અચાનક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેની યોગ્ય તપાસ કરીને અટકાવવી જોઈએ.અમે કમિશનરને  વિનંતી કરી છે કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને કોઈ પણ પૂર્વ જાણકારી કે યોગ્ય માહિતી વિના ખલેલ પહોંચાડવામાં ન આવે અને તેમના ઘરોને તોડવામાં ન આવે. પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વ્યક્તિગત રીતે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને નાગરિકોની પડખે ઉભા છે.

પાંચ કલાકથી વધુ સમય સુધી પાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દા પર ચર્ચા ચાલી હતી. મેયર રિતુ તાવડેએ જણાવ્યું હતું કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્ર્વાસમાં લેવામાં નહીં આવે તો નિર્ણયને રદ કરી શકાય છે. મીટિંગ માટે બોલાવવા છતાં, કમિશનરે હાજરી આપી નથી. જો વહીવટીતંત્ર અમને વિશ્ર્વાસમાં લેવા માંગતું નથી, તો અમે નિર્ણયને ઉથલાવીશું. તેમની ટિપ્પણી અને ગૃહના નેતા ગણેશ ખણકર દ્વારા પાલિકાના આ પ્રસ્તાવને સ્થગિત કરવાના માગણી બાદ પાલિકાની સામાન્ય સભા  કોઈપણ કામકાજની કાર્યવાહી કર્યા વિના સ્થગિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે  મુંબઈમાં ૨,૨૩,૧૫૦ ઝૂંપડપટ્ટીના એકમોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ૩૯,૧૧૧ એકમો ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે છે. આમાંના ૩૧,૨૨૭ બાંધકામો પૂર્વીય ઉપનગરોમાં આવેલા છે. પાલિકા પ્રશાસનેે ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા બાંધકામો સામે કાર્યવાહી કરવાનો  નિર્ણય લીધો છે, તેની સામે વિરોધપક્ષ બાદ સત્તાધારી ભાજપે પણ વાંધો ઉઠાવ્યો હતો.