Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં 3 સંતાનોના પિતાએ કુંવારો હોવાનું કહીને યુવતી સાથે બાંધ્યા સંબંધ, લગ્ન પણ કરી લીધા. 3 વરસે કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

2026-09-29 09:45:00
Author: Mayur Patel
અમદાવાદમાં 3 સંતાનોના પિતાએ કુંવારો હોવાનું કહીને યુવતી સાથે બાંધ્યા સંબંધ, લગ્ન પણ કરી લીધા. 3 વરસે કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

અમદાવાદઃ  અમદાવાદમાં 3 સંતાનોના પિતાએ કુંવારો હોવાનું કહીને યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. લગ્ન પણ કરી લીધા હતા. આ અંગેની જાણ પત્ની અને પરિવારજનોને થતાં 3 વરસે ભાંડો ફૂટ્યો હતો.

શું છે સમગ્ર મામલો

અમદાવાદમાં નારોલ જૂની કોર્ટ પાસે રહેતી 26 વર્ષની યુવતીની આશરે સાત વર્ષ પહેલાં વટવા ખાતે જોગણી માતાના મંદિરે એક યુવક સાથે મુલાકાત થઈ હતી. વાતચીત વધતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રવિ પહેલેથી પરણેલો હોવા છતાં તેણે આ વાત યુવતીથી છુપાવી રાખી હતી.

લગ્નનું પણ રજિસ્ટ્રેશન કરાવ્યું

વર્ષ 2019માં યુવક લગ્નની લાલચ આપીને યુવતીને ઓઢવની એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ 25 એપ્રિલ 2023ના રોજ યુવકે યુવતી સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા અને બીજા દિવસે દરિયાપુર વોર્ડ ઓફિસમાં લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

લગ્ન બાદ ઘરે લઈ જવાના બદલે બહાના બતાવતો

લગ્ન પછી પણ યુવક યુવતીને સાસરે લઈ જવાને બદલે બહાના કાઢતો રહ્યો હતો. યુવતી તેની માતા સાથે અને યુવક પોતાના ઘરે અલગ રહેતા હતા. આ દરમિયાન યુવકે યુવતીને હાથીજણના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.

આ રીતે ફૂટ્યો ભાંડો

જુલાઈ 2026માં યુવકના પરિવારજનો અચાનક યુવતીના ઘરે પહોંચ્યા અને ઝઘડો કરીને જણાવ્યું કે યુવક પહેલેથી પરણેલો છે અને તેને ત્રણ બાળકો પણ છે. છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં જ યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.