Sat Sep 05 2026

Logo

અમદાવાદમાં પ્રેમ લગ્નના અણબનાવમાં વહુના પિયર પક્ષે ખેલ્યો ખૂની ખેલ! વેવાઈનું ઢીમ ઢાળી દીધું

2026-05-03 11:39:00
Author: Devayat Khatana
અમદાવાદમાં પ્રેમ લગ્નના અણબનાવમાં વહુના પિયર પક્ષે ખેલ્યો ખૂની ખેલ! વેવાઈનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં પ્રેમ લગ્ન અને ત્યારબાદ થયેલા પારિવારિક વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જીવરાજબ્રીજ નીચે નજીવી બાબતે થયેલી તકરારમાં એક પિતાની લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

ફરિયાદની વિગત મુજબ, ફરિયાદી કૌશિકભાઈ પરમારે ચાર વર્ષ પહેલા માલવિકા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, છેલ્લા છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો અને માલવિકા તેના પિયરમાં રહેતી હતી. આ પારિવારિક અણબનાવની અદાવત રાખીને શનિવારે રાત્રે આશરે 8:32 કલાકે જ્યારે ફરિયાદીના પિતા નટુભાઈ (ઉં.વ. 52) જીવરાજ બ્રીજ નીચે બાપાસીતારામ મોબાઈલ શોપ પાસે હતા, ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો.  જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

હુમલાખોરોમાં કનુ ઉર્ફે કાંતી ઉર્ફે લેલી, હસમુખ, કેતન ધૂળાજી અને એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. આ ચારેય શખ્સોએ એકસંપ થઈ નટુભાઈને માથાના ભાગે તથા શરીરે પાઈપ અને ધોકાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. લોહીલુહાણ હાલતમાં નટુભાઈને તાત્કાલિક પારેખ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ટૂંકી કટોકટી બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.  
 

આનંદનગર પોલીસે આ મામલે બી.એન.એસ. (BNS) ની કલમ 103(1) અને 54 હેઠળ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પરમારે આ કેસની તપાસ સંભાળી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે થયેલી આ હત્યાની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.