Fri Sep 04 2026

Logo

અમદાવાદમાં યુવક-યુવતીના લવ મેરેજના ટંટામાં યુવકના પિતાની થઈ ગઈ હત્યા, હત્યારા ભાગીને બનાસકાંઠા ગયા ને.........

2026-05-08 11:30:00
Author: Mayur Patel
અમદાવાદમાં યુવક-યુવતીના લવ મેરેજના ટંટામાં યુવકના પિતાની થઈ ગઈ હત્યા, હત્યારા ભાગીને બનાસકાંઠા ગયા ને.........

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. યુવક-યુવતીના લવ મેરેજના ટંટામાં યુવકના પિતાની હત્યા થઈ હતી. હત્યારા ભાગીને બનાસકાંઠા ગયા હતા. જ્યાં તેઓ પોલીસથી બચવા મંદિરો તથા નાની જગ્યાએ છુપાઈને રહેતા હતા.  જોકે પોલીસે હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે તેમને ઝડપી પાડ્યા હતા.

શું છે મામલો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજપુલ નીચે 2 મેના રોજ નટુભાઈ પરમારની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ હત્યા પારિવારિક વિવાદના કારણે કરવામાં આવી હતી. મૃતકના પુત્રના સાસરિયાએ ઘટનાને અંજામ આપ્યો હતો. 52 વર્ષીય નટુભાઈ પરમાર પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ લોખંડની પાઇપ અને લાકડી વડે તેમના પર ઉપરાછાપરી 36 ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના ભયાનક દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી.

કેસની તપાસ દરમિયાન ઝોન 7 ક્રાઈમ બ્રાન્ચ અને આનંદનગર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હસમુખ વાઘેલા, કાંતિ વાના અને ભાવેશ પરમાર તરીકે થઈ હતી. જ્યારે અન્ય એક આરોપી કેતન હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પુત્ર કૌશિક પરમારે આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પત્નીના ગર્ભપાત બાદ છેલ્લા છ મહિનાથી દંપતી વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો હતો અને પત્ની તેના પિયરમાં રહેતી હતી. થોડા દિવસો પહેલા જ્યારે નટુભાઈ અને તેમનો પુત્ર સાસરી પક્ષના ઘરે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 28 એપ્રિલે જ્યારે હસમુખ વાઘેલા તેના સાથીદારો સાથે નટુભાઈના ઘરે પહોંચ્યો ત્યારે પણ વિવાદ થયો હતો. આ અદાવત રાખીને હસમુખે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, રાત્રિના સમયે જીવરાજ પાર્ક બ્રિજ નીચે નટુભાઈને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ત્યાં અગાઉથી ઘાત લગાવીને બેઠેલા આરોપીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો.

ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ બે મોટરસાયકલ પર સવાર થઈને રાણીપ તરફ ભાગી ગયા હતા અને ત્યારબાદ બનાસકાંઠા પહોંચ્યા હતા. પોલીસથી બચવા માટે તેઓ મંદિરો અને નાની જગ્યાઓમાં છુપાતા રહ્યા હતા.  હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.