Mon May 11 2026

Logo
IPL 2026:

હાર્દિકની ટીમને હરાવ્યા પછી મોટો ભાઈ કૃણાલ ભાવુક થયો અને બોલ્યો...

2026-05-11 16:07:24
Author: Ajay Motiwala
Article Image

રાયપુર: એક સમય હતો જ્યારે હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ સાથે મળીને 2017, 2019 અને 2020માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને આઈપીએલનું ટાઈટલ જિતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી, પરંતુ રવિવારે રાયપુરમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમને પરાજિત કરીને પ્લે-ઑફની રેસની બહાર કરી દેવામાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો મોટો ફાળો હતો અને મેચ પછી કૃણાલ ઇન્ટરવ્યૂ દરમિયાન ભાવુક થઈ ગયો હતો.

હાર્દિક પંડ્યા પીઠના દુખાવાને કારણે રવિવારની મૅચમાં પણ નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે મુંબઈની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. એક તરફ હાર્દિક ટીમમાં નહોતો અને બીજી બાજુ કૃણાલ પંડ્યાએ બંને પગના સ્નાયુઓ ખેંચાઈ જવા છતાં બૅટિંગ ચાલુ રાખીને લડાયક ઈનિંગ્સમાં 73 રન કર્યા હતા. તેણે બેંગ્લૂરુને યાદગાર વિજય અપાવ્યો હતો.

2022ના મેગા ઑકશન પહેલાં હાર્દિક અને કૃણાલ બંને ભાઈએ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ છોડી હતી. જોકે હાર્દિક 2024ની સીઝન પહેલાં ટ્રેડ-ડીલ મારફત મુંબઈની ટીમમાં પાછો ફર્યો હતો.

મારી, હાર્દિક, પોલાર્ડની ત્રિપુટી: કૃણાલ

કૃણાલ પંડ્યાએ રવિવારે મૅચ પછી ભાવુક થતા જણાવ્યું હતું કે એક સમય હતો જ્યાર હું, હાર્દિક અને કીરૉન પોલાર્ડ મુંબઈની ટીમમાં એન્જિન રૂમ જેવા હતા. મુંબઈની ટીમને અમે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગથી ઘણી મૅચો જિતાડી હતી. મને યાદ છે કે 2021માં હું, હાર્દિક અને પોલાર્ડ એકબીજાના હાથ પકડીને ઊભા હતા અને ત્યારે અમને ત્રણેયને લાગ્યું હતું કે આપણે આ વખતે કદાચ છેલ્લી વખત સાથે રમી રહ્યા છીએ. આ હતી અમારી ત્રિપુટી અને અમે ત્યારે ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા.'

કૃણાલ મુંબઈ સામે પગની ઈજા થતાં કેમ રમતો રહ્યો?

આરસીબીના કૃણાલ પંડ્યાએ રવિવારે મુંબઈ સામેની મૅચમાં 46 બૉલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 73 રન કર્યા હતા. બેંગલૂરુએ છેલ્લા બૉલ પર વિજય મેળવ્યો હતો. આ પરાજય સાથે મુંબઈની ટીમ પ્લે-ઓફની રેસમાંથી લખનઊની જેમ બહાર થઈ ગઈ હતી.

મુંબઈને હરાવવામાં 73 રનનું મોટું યોગદાન આપ્યા પછી કૃણાલે ઈયાન બિશપને કહ્યું હતું કે ‘મને બન્ને પગમાં ખૂબ દુખાવો હતો એમ છતાં મેં નક્કી કર્યું હતું કે હું આઉટ નહીં થાઉં અને બેંગલૂરુને જિતાડીને જ રહીશ. લીગ રાઉન્ડનો આ અંતિમ તબક્કો છે અને અમારા માટે એક-એક મૅચ અત્યંત મહત્વની છે એટલે મેં ઈજા છતાં રમવાનું ચાલુ રાખ્યું હતું. ખાસ કરીને હું આત્મશક્તિ અને હિંમત એકત્રિત કરી શકવા બદલ લાંબી ઇનિંગ્સ રમી શક્યો હતો.'