Tue Oct 06 2026

Logo

સુરતમાં પનીરના નામે પીરસાઈ રહ્યું હતું કારખાનામાં વપરાતું એસિડ: SOGની તપાસમાં ચોંકવાનારો ખુલાસો

2026-03-07 21:58:00
Author: Devayat Khatana
સુરતમાં પનીરના નામે પીરસાઈ રહ્યું હતું કારખાનામાં વપરાતું એસિડ: SOGની તપાસમાં ચોંકવાનારો ખુલાસો

સુરત:  તહેવારોના સમયમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી પાંડેસરાની ભીડભંજન સોસાયટીના એક કારખાનામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી આશરે ૩,૦૮,૨૨૦ રૂપિયાની કિંમતનું ૧૪૦૧ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે એસઓજીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

SOGની ટીમ દ્વારા જપ્ત કરાયેલા ૧૪૦૧ કિલોગ્રામ પનીરના જથ્થાની તપાસમાં  ચોંકાવનારી વિગતો સામે આવી છે . SOGની તપાસમાં ખૂલ્યું હતું કે પનીર બનાવવા માટે કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ વાપરવામાં આવ્યું હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હોવાનું પણ બહાર આવ્યું હતું. તે ઉપરાંત મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. 

પોલીસે ઘટનાસ્થળેથી અલથાણના રહેવાસી અને મૂળ રાજસ્થાનના કારખાનાના માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની અટકાયત કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી છેલ્લા બે વર્ષથી દરરોજ આશરે ૪૦૦ કિલો જેટલું પનીર બનાવી અલગ-અલગ ડેરીમાં જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરતો હતો. 

આ કામગીરીમાં પનીરની સાથે પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઈઝર મશીન, પામોલીન તેલના ડબ્બા અને એસીડીક એસીડ જેવો મુદ્દામાલ મળી કુલ ૨૮,૪૪,૧૭૦ રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શંકાસ્પદ પનીરના જથ્થાને સીલ કરી તેના નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.