Thu Apr 30 2026

Logo

ગિરનારમાં ઓઘડ ટૂંક પર જૈન ધર્મનો ઝંડો ફરકાવનાર એક આરોપીને દબોચ્યો...

2026-02-23 18:25:50
Author: Devayat
Article Image

જૂનાગઢઃ  પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી નાથ સંપ્રદાયની ચોથી ટૂંક જે ઓઘડ ટૂંકથી ઓળખાય છે ત્યા જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા મામલે વિવાદ સર્જાયો હતો. આ અંગે સાધુ સંતો સહિત શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે નાથ સંપ્રદાયના મહંત સોમનાથજી દ્વારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી અને એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ભવનાથ તળેટીમાં જ રૂપાયતન પાસે રમકડાની દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદભાઈ જૈન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ફરિયાદમાં જણાવાયું હતું કે, ગત 5 ફેબ્રુઆરીના રોજ કેટલાક અજાણ્યા શખ્સોએ ચોરીછૂપે ગિરનારની ચોથી ટૂંક પર જઈ જૈન ધર્મનો ઝંડો લહેરાવી દીધો હતો અને ત્યાં કલરથી પેઇન્ટિંગ કામ પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

મહંત સોમનાથજીએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે સફેદ કપડાં પહેરેલા બે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાના ફોટા અને વિડિયો જોવા મળ્યા હતા, જેમાં ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે ગિરનાર તળેટીના અગ્રણી સંતો શેરનાથ બાપુ અને મહાદેવગીરી બાપુ સહિતના સાધુ-સંતોએ એકઠાં થઈને વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. 

આ મુદ્દે ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, તમારી પાસે બહુ શક્તિ હોય તો પાકિસ્તાનમાં જઈને તમારી ધજા લહેરાવી જુઓ, ત્યાં તમારી શક્તિ બતાવો. અહીં શાંતિપૂર્ણ માહોલમાં હિન્દુ સનાતન ધર્મને ઠેસ પહોંચાડવી અયોગ્ય છે. ઓઘડ શિખર ગોરખ ધુણા સાથે જોડાયેલું છે, ત્યાં જઈને ધજા ફરકાવવી, લખાણો કરવા અને ચિત્રો દોરવા એ અયોગ્યતાની પરાકાષ્ઠા છે. પોતાના અહંકારનું પ્રદર્શન કરવા માટે સનાતન પરંપરામાં અડચણ ઉભી કરવી એ સમજદારી નથી.

નોંધનીય છે કે ગિરનારની ચોથી ટૂંક, જે ઓઘડ ટૂંક તરીકે ઓળખાય છે, ત્યાં ઓઘડનાથજીના ચરણ પાદુકા આવેલા છે અને તે પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં આવે છે. આ જગ્યા વર્ષ 1950ના મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા ગોરખનાથજીના દલીચા ટ્રસ્ટ હસ્તક હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભવનાથ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમટ શરૂ કર્યો હતો.