નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન સામે ભારતનો લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા અભૂતપૂર્વ ટી-20 ઇનિંગ્સ રમ્યો છે જેમાં તેણે કેટલાક વિક્રમો પોતાના નામે કરી લીધા હતા. તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા દેશો (આઇસીસીના ફુલ મેમ્બર-રાષ્ટ્રો) વચ્ચે રમાયેલી મૅચોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો છે. તેણે ફક્ત 30 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે આ 100 રન માત્ર 30 બૉલમાં 10 છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા.
ટી-20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી એસ્ટોનિયાના ભારતીય મૂળના બૅટ્સમૅન સાહિલ ચૌહાણ (27 બૉલમાં 100 રન)ના નામે છે. તેણે એ સદી સાયપ્રસ વિરુદ્ધ કરી હતી. જોકે મોટા દેશો વચ્ચે રમાયેલી ટી-20 મૅચોની જ વાત કરીએ તો ન્યૂ ઝીલૅન્ડના ફિન ઍલનની સાઉથ આફ્રિકા સામેની 33 બૉલની સદી અત્યાર સુધી વિક્રમજનક ગણાતી હતી. જોકે હવે અભિષેકે 30 બૉલની સદી સાથે તેનો એ રેકૉર્ડ તોડી નાખ્યો છે.

અભિષેકે ભારતના ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયનોમાં રોહિત શર્માનો વિક્રમ પણ તોડી નાખ્યો. રોહિતે 2017ની સાલમાં શ્રીલંકા સામે 35 બૉલમાં જે સદી ફટકારી હતી એ અત્યાર સુધી ભારતીયોમાં રેકૉર્ડ (record) હતો જે નવ વર્ષ સુધી અકબંધ રહ્યા બાદ હવે અભિષેકે તોડી નાખ્યો છે.
અભિષેક છેવટે 34 બૉલમાં 108 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તેણે આ 108 રન 11 છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી કર્યા હતા. તે સ્પિનર રાશીદ ખાનના વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝના હાથમાં કૅચઆઉટ થયો હતો. અભિષેકના 108 રનમાં અગિયાર છગ્ગા અને નવ ચોગ્ગાનો સમાવેશ હતો.

સંજુ સૅમસન 34 રન પર રમી રહ્યો હતો ત્યારે અભિષેક (Abhishek) 34 બૉલમાં 108 રન બનાવીને પૅવિલિયન ભેગો પણ થઈ ગયો હતો. બન્ને વચ્ચે 9.5 ઓવરમાં 142 રનની પાર્ટનરશિપ થઈ હતી.
13મી ઓવરને અંતે ભારતનો સ્કોર બે વિકેટે 164 રન હતો જેમાં સૅમસનના અણનમ 50 રન હતા. અભિષેકની વિકેટ બાદ તિલક વર્મા (બે રન) રનઆઉટ થયો હતો.