Mon Oct 05 2026

Logo

સુરતમાં મહિલાના જાતીય શોષણ અને ધમકીના કેસમાં 'આપ'ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ

2026-05-10 17:05:00
Author: Devayat Khatana
સુરતમાં મહિલાના જાતીય શોષણ અને ધમકીના કેસમાં 'આપ'ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવનાર દુષ્કર્મ અને ધમકીના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી હતી. છેલ્લા એક માસથી નાસતા ફરતા આમ આદમી પાર્ટી (આપ) ના પ્રવક્તા કાળુ વઘાસિયાને પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપ છે કે વઘાસિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પોતાની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાની ખોટી લાલચ આપી સતત શારીરિક શોષણ આચર્યું હતું.

પીડિત મહિલાની ફરિયાદ અનુસાર, જ્યારે તેણે લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ગંભીર ધમકી આપી હતી. આ મામલે લસકાણા પોલીસે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની અટકાયત બાદ પોલીસે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની સાથે તપાસ તેજ કરી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો.