Wed Jun 10 2026

Logo

જિગીષા પટેલ પર હુમલાથી AAP લાલઘૂમ, મહિલા નેતાએ કહ્યું- ભાજપના કુકર્મોની સજા આપીશું...

2026-02-24 20:53:47
Author: Mayur Patel
Article Image

ગોંડલઃ શહેરમાં પાણી અને રસ્તાના પ્રશ્નો સંદર્ભે આપ નેતા જિગીષા પટેલ  ભગવતપરા વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમની અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જિગીષા પટેલ પર સ્થાનિક મહિલાઓ તૂટી પડી હતી અને તેમની ગાડી પર પથ્થરમારો અને જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં જિગીષા પટેલને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ ઘટના બાદ આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ કહ્યું,  જિગીષાબેન પટેલ તેમને મળેલા પ્રશ્નોને લઈ ગયા હતા ત્યાં તેમના પર હુમલો કરાયો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો મોટી મોટી ગ્રાંટ મળે છે છતાં કામ કરતા નથી. સ્થાનિકોને સુવિધા મળી નથી રહી. પ્રશ્નો હલ નથી થતાં પરંતુ જ્યારે કોઈ નેતાની ઇચ્છા હોય છે કે તેઓ સ્થાનિકોના પ્રશ્નો હલ કરે, આ માટે જ્યારે તેઓ જાય છે ત્યારે આવી રીતે આગળ કરીને ભારતીય જનતા પાર્ટી હુમલા કરાવે છે.

હું વીડિયોના માધ્યમથી કહેવા માગુ છું કે ભારતીય જનતા પાર્ટીને લોકોના પૈસાનો માત્રને માત્ર રુપયોગ કરવો છે. પણ આજે જિગીષા પટેલે સ્થાનિક પ્રશ્નો સોલ્વ કરવા માટે કોર્પોરેટરને ફોન કર્યો હતો, તેની જાણ માત્ર ત્યાંના કોર્પોરેટરને જ હતી કે બેન ત્યાં જઈ રહ્યા છે અને અમુક લોકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ પર 307ની ફરિયાદ થાય. લોકો આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપે છે, આમ આદમી પાર્ટી કોઈ હુમલાથી ડરવાની નથી, કોઈ કેસોથી નથી ડરવાની, અમે જનતાના પ્રશ્નો માટે હરહંમેશા ઉભા રહીશું, લડત આપીશું અને લોકોના વિશ્વાસથી જીતીશું પણ. ભારતીય જનતા પાર્ટીએ જે પણ કુકર્મો કર્યા છે તેની સજા આપીશું.

કોણ છે જિગીષા પટેલ

જિગીષા પટેલ ઓક્ટોબર 2025માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જિગીષા પટેલને ખેસ પહેરાવ્યો હતો. જિગીષા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે. તેઓ પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે.

તેઓ મૂળ વંથલીના મોટા કાજલિયાળાના વતની છે. તેઓ બે-અઢી વર્ષની ઉંમરે પરિવાર સાથે જૂનાગઢ આવ્યા હતા. તેમણે ધો.12 સુધીનો અભ્યાસ આલ્ફા હાઈસ્કૂલમાંથી કર્યો હતો. આ પછી રાજકોટમાં કોલેજ કરી હતી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમને પેઈન્ટિંગનો શોખ હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમણે ઓટોમોબાઈલ કંપની માટે ગ્લાસ પર પેઈન્ટિંગ કરવાનું કામ પણ કર્યું હતું.

વર્ષ 2015માં તેઓ પાટીદાર આંદોલન સાથે જોડાયા હતા. જિગીષા પટેલ પાટીદાર આંદોલનમાં સતત સોશિયલ મીડિયા દ્વારા લડત ચલાવતા હતા. આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલ સાથે ઉપવાસ પર પણ બેઠા હતા. આ પછી તેઓ એનસીપીમાં જોડાયા હતા અને એનસીપી પ્રમુખ તરીકે એક વર્ષ કામ કર્યું હતું.