Sat Aug 29 2026

Logo

"મારા પરનો દારૂનો કેસ ખોટો હતો, કોર્ટે...... ગુજરાત પ્રવાસે પહોંચેલા કેજરીવાલે શું કહ્યું?

2026-03-07 22:40:13
Author: Devayat Khatana
"મારા પરનો દારૂનો કેસ ખોટો હતો, કોર્ટે...... ગુજરાત પ્રવાસે પહોંચેલા કેજરીવાલે શું કહ્યું?

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા'નો આવતીકાલે એટલે કે 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. 

મળતી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના બે દિવસના ગુજરાતના પ્રવાસે હોય. અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાત કરતાં જણાવ્યું હતું કે ''લોકો ભાજપ સરકારથી ખૂબ જ નારાજ છે. ભાજપ અને તેમના નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેઓ લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. જ્યારે લોકો અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને ખોટા કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે. છેલ્લા દિવસોમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખોટા કેસો કરી મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. 

તેમણે આગળ જણાવ્યું હતું કે જ્યારે યુવાનો અવાજ ઉઠાવે છે, ફેસબૂક પર વિરોધ કરે છે ત્યારે તેને પકડી લેવામાં આવે છે. તેમના પર કરવામાં આવેલા કેસની વાત કરતાં જણાવ્યું હતું કે, મારા પર ખોટો દારૂ કેસ કરવામાં આવ્યો અને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પદ પરના મુખ્ય પ્રધાનને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને આખા કેસને ખોટો ગણાવીને ફગાવી દીધો હતો. આ દેશ માટે અને દેશની લોકશાહી માટે ખૂબ જ ખતરનાક બાબત છે. કોઈપણને આમ જેલમાં નાખી દેવામાં આવશે તો કાયદાનું શાસન રહેશે નહિ. 

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સોમનાથથી શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા'નો આવતીકાલે એટલે કે 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે ગાંધીનગરના રામકથા મેદાનમાં બપોરે 3 કલાકે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહીને જનમેદનીને સંબોધિત કરશે.