ભુજઃ કચ્છના વાગડ પંથકના રણમાં આવેલા પવિત્ર વાછડા દાદાના દર્શને ટ્રેકટર ટ્રોલીમાં ગયેલા સુરેન્દ્રનગર જિલ્લાના એક જ પરિવારના ૧૭ શ્રદ્ધાળુઓ કાળઝાળ હવામાન અને અચાનક ત્રાટકેલા વાવાઝોડા-વરસાદ વચ્ચે રણની મધ્યમાં અટવાઈ પડ્યા હતા. અંધારી રાતે મોત સામે લડી રહેલા આ નિર્દોષ નાગરિકો માટે આડેસર પોલીસ દેવદૂત બનીને ત્રાટકી હતી અને ભારે જહેમત બાદ બાળકો તથા મહિલાઓ સહિત તમામ ૧૭ જણાને હેમખેમ બચાવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આડેસર પોલીસ મથકના પી.આઈ જે. બી. આચાર્ય પાસેથી મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા નજીક આવેલા બાવડા ગામનો એક કોળી પરિવાર બે ટ્રેક્ટરો બાંધીને રણમાં બિરાજતા વાછડા દાદાના દર્શનાર્થે આવ્યો હતો. શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને પરત ફરતી વખતે અફાટ રણમાં આ પરિવાર માર્ગ ભૂલી ગયો હતો. આ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રણમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદને લીધે રણની સફેદ સપાટી જોતજોતામાં દળદાર કાદવ-કીચડમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં બંને ટ્રેક્ટરોના ટાયરો ખૂંપી જતાં વાહનો સ્થાપિત થઈ ગયા હતા. ભારે પવન અને ઠંડીના કારણે ખુલ્લા ટ્રેક્ટરમાં બેઠેલા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ઠૂંઠવાઈ ગયા હતા અને આખી રાતની રઝળપાટના લીધે પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ જ સમયે આડેસર પોલીસની એક ટીમ રણ સરહદે નાઇટ પેટ્રોલિંગમાં હતી. કટોકટીની આ સ્થિતિમાં પોલીસને દૂર રણમાં ટ્રેક્ટરની હેડલાઈટનો ઝબકારો દેખાતાં કંઈક અજૂગતું બન્યું હોવાની આશંકાએ ટીમ તાત્કાલિક કાદવ ખૂંદતી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કલાકોની ભારે જહેમત બાદ બંને ટ્રેક્ટરોને કાદવમાંથી બહાર કઢાવ્યા હતા. ઠંડીથી ધ્રૂજી રહેલા માસૂમ બાળકોને તાત્કાલિક ધાબડા ઓઢાડવામાં આવ્યા હતા. આખી રાત રઝળપાટના કારણે ટ્રેક્ટરોમાં ડીઝલ પણ ખૂટી ગયું હોઈ પોલીસે પોતાના ખર્ચે ઈંધણની વ્યવસ્થા કરી આપી હતી. તમામ લોકોને સુરક્ષિત રીતે આડેસર પોલીસ મથકે લાવીને તેમના ભોજન અને આશ્રયની સગવડ કરાતાં પરિવારે ભીની આંખે પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્રને સાર્થક કરવા બદલ બિરદાવ્યા હતા.
(ઉત્સવ વૈદ્ય)