Wed Sep 16 2026

Logo

ભાવનગરમાં કાયદાનો ડર ઓસર્યો? પ્રેમ લગ્નની અદાવતમાં લગ્ન પ્રસંગમાં જ યુવાન પર છરીના ઘા ઝીંકાયા

2026-05-11 20:44:47
Author: Devayat Khatana
ભાવનગરમાં કાયદાનો ડર ઓસર્યો? પ્રેમ લગ્નની અદાવતમાં લગ્ન પ્રસંગમાં જ યુવાન પર છરીના ઘા ઝીંકાયા

ભાવનગર: સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વધુ એક હિંસક ઘટના સામે આવી છે.  શહેરમાં આધેડ પર થયેલા હુમલાની ઘટનાને 24 કલાક પણ પૂરા નથી થયા, ત્યાં જ શહેરના ફુલસર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી તનસુખભાઈ મેરના દિકરા રાજદીપે ગત નવેમ્બર માસમાં શિવરાજસિંહ જાડેજાની પુત્રી વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પરિવારજનોએ લગ્ન પ્રસંગમાં આવેલા રાજદીપને નિશાન બનાવ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ, ફુલસરના બારૈયાના મઢ પાસે ફરિયાદીના ભાણેજ બ્રિજેશના લગ્ન હતા. સાંજના સમયે અરસામાં જ્યારે વરઘોડો સ્વામીનારાયણ સ્કૂલ પાસે પહોંચ્યો, ત્યારે રાજદીપ પોતાની એક્ટિવા પાર્ક કરી રહ્યો હતો. તે જ સમયે હાર્દિકસિંહ શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ ઝાલા હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. હાર્દિકસિંહે રાજદીપના ગળાના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો, જ્યારે અન્ય બે શખ્સોએ છાતી અને પડખાના ભાગે આડેધડ ઘા મારી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. 

હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા રાજદીપને તાત્કાલિક ખાનગી વાહન અને ત્યારબાદ 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચોસલાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ૨૪ કલાકમાં બનેલી આ બીજી હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.