ભુજઃ નશાખોરીની બાબતમાં મીની મેક્સિકો સમાન બની રહેલા રણપ્રદેશ કચ્છમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો હવે નશાનો સામાન છુપાવવા માટે અવનવા કિમીયા અજમાવી રહ્યા છે. ભુજ તાલુકાના સુખપર ગામે માનકૂવા પોલીસે પૂર્વ બાતમીના આધારે મધ્યરાત્રે પાડેલા દરોડામાં ઘરના આંગણામાં જમીનમાં દાટેલી હાલતમાં રૂા. ૬.૧૫ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ અંગે માનકૂવા પી.આઈ. કે.એમ. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમ્યાન સુખપરની સુથાર સમાજવાડી પાછળ રહેતો જયદીપ વિજય ચૂડાસમા પોતાના ઘરે દારૂનો મોટો જથ્થો સંતાડીને રાખ્યો હોવા અંગે તેમને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. ઘરના સભ્યોએ જયદીપ રાજકોટ હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની નજર આંગણાની દીવાલ પાસે પડેલા તાજા ખોદકામ પર પડી હતી.
પોલીસે શંકાના આધારે પાવડા વડે આંગણાની માટી હટાવવાનું શરૂ કરતા જ જમીન નીચે વ્યવસ્થિત રીતે ખાડો કરી છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ૯૯૪ જેટલી વિવિધ બ્રાન્ડની નાની-મોટી શરાબની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. આ જથ્થાની કુલ કિંમત રૂા.૬,૧૫,૫૮૫ આંકવામાં આવી હતી.
આરોપી જયદીપ ચૂડાસમા વિરુદ્ધ અગાઉ પણ ભુજ એ-ડિવિઝન અને માનકૂવા પોલીસ મથકે પ્રોહિબિશન (દારૂ) હેઠળના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ સમગ્ર જથ્થો જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીધામ-વરસામેડીમાં પોલીસે ત્રણ દરોડામાં રૂ.૨.૪૦ લાખનો વિદેશી શરાબ ઝડપાયો
ગાંધીધામ અને વરસામેડીમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂા. ૨,૪૦,૦૦૦ ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ દરોડા દરમિયાન મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવામાં પોલીસને હજુ સફળતા મળી નથી.
(ઉત્સવ વૈદ્ય)