Mon Oct 05 2026

Logo

ભાવનગરમાં બકરી ચરાવતાં યુવક પર સિંહે કર્યો હુમલો, પશુપાલકોમાં ફફડાટ

2026-08-05 12:26:00
Author: Mayur Patel
ભાવનગરમાં બકરી ચરાવતાં યુવક પર સિંહે કર્યો હુમલો, પશુપાલકોમાં ફફડાટ

પાલિતાણાઃ ભાવનગર જિલ્લામાં વધુ એક પશુપાલક પર સિંહે હુમલો કર્યો હતો. તોડી ગામમાં સિંહના હુમલાની ઘટના બાદ ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી વિગત પ્રમાણે,  સિંહે સૌપ્રથમ વિસ્તારમાં પશુઓ પર હુમલો કર્યો હતો. પોતાના પશુઓને બચાવવા માટે જ્યારે  માલધારી વચ્ચે પડ્યો, ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. આ  હુમલામાં માલધારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યે બે માલધારી બકરીઓ ચરાવતા હતા ત્યારે અચાનક એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહે 28 વર્ષના વિજયભાઈ બલિયા નામના યુવક પર હુમલો કરી તેમને પડખામાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને એક બકરીનો શિકાર કરીને ભાગી ગયો હતો. આ સમયે તેની રહેલો બીજો યુવક થોડે દૂર હોવાથી બચી ગયો હતો.

ઘાયલ વિજયભાઈને તાત્કાલિક પાલિતાણાની ખાનગી હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમના ઊંડા ઘા પર ટાંકા લઈને સારવાર કરી હતી.  ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સિંહ દેખાય તો તરત જ જાણ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પંથકમાં છેલ્લા બે દિવસમાં સિંહે ત્રણ ગાય અને એક બકરીનો શિકાર કર્યો છે. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

જુલાઈ મહિનામાં  સિંહે યુવકનો હાથ અડધો કલાક મોંમાં રાખ્યો ને પછી છોડી દીધો હતો

જુલાઈ મહિનામાં ભાવનગર જિલ્લામાં સિંહે યુવકનો હાથ અડધો કલાક મોંમાં રાખ્યો ને પછી છોડી દીધો હતો. પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા હતા. જે બાદ તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા હતા. ઉપરાંત તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો હતો. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સાવજે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા. અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો હતો.