Mon Oct 05 2026

Logo

આજથી કચ્છના આકાશમાં ફરી ઊતરશે 'મહેમાનો'નો કાફલો: ૨૭ સપ્ટેમ્બર સુધી પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ

2026-09-25 13:08:00
Author: Mumbai Samachar Team
આજથી કચ્છના આકાશમાં ફરી ઊતરશે 'મહેમાનો'નો કાફલો: ૨૭ સપ્ટેમ્બર સુધી પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ

ભુજઃ નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે કચ્છનું આકાશ હવે દેશ-વિદેશના પ્રવાસી પક્ષીઓ માટે માર્ગ બની રહ્યું છે. મધ્ય અને પૂર્વ એશિયાના પ્રજનન વિસ્તારોમાંથી આફ્રિકાના શિયાળુ નિવાસસ્થાનો તરફ જતા 'પેસેજ માઇગ્રન્ટ' પક્ષીઓ કચ્છમાંથી પસાર થાય છે. આ પક્ષીઓની નોંધણી અને અભ્યાસ માટે ૨૫થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં 'પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ' યોજાઈ રહ્યું છે. 

બર્ડ કાઉન્ટ ઇન્ડિયા અને પ્રણિધિ ટ્રસ્ટના સહયોગથી યોજાતા આ નાગરિક વિજ્ઞાન અભિયાનમાં પક્ષીપ્રેમીઓ અને નિરીક્ષકો કચ્છના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓની ઓળખ, સંખ્યા અને સ્થળાંતરના સમયગાળાની નોંધ કરશે.

પેસેજ માઇગ્રન્ટ એવા પક્ષીઓ છે જે કચ્છમાં ઉનાળો કે શિયાળો વિતાવતા નથી, પરંતુ સ્થળાંતરની સફર દરમિયાન થોડા સમય માટે અહીં રોકાય છે. તેથી આ ગણતરી કચ્છને આંતરરાષ્ટ્રીય પક્ષી સ્થળાંતર માર્ગ તરીકે સમજવા માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે. 

કચ્છમાં દરિયાકાંઠા, ખાડી, રણ, ઘાસિયાળ પ્રદેશો અને ભેજવાળા વિસ્તારોની વિવિધતા હોવાથી સ્થળાંતર કરતા પક્ષીઓને અલગ અલગ પ્રકારના પડાવ મળે છે. આ વર્ષે થનારી ગણતરીમાંથી કચ્છમાંથી પસાર થતા આવા 'આકાશી મુસાફરો'ની નવી નોંધ બહાર આવે તેવી અપેક્ષા છે.

(ઉત્સવ વૈદ્ય)