Mon Jul 27 2026

Logo

કર્ણાટકમાં ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના 5ના મોત, યુપીમાં ડમ્પરે 4 લોકોને કચડ્યાં

2026-05-23 11:10:00
Author: Mumbai Samachar Team
Article Image

કલબુર્ગી: દેશના બે અલગ-અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં શુક્રવારે મોડી રાત્રે બે ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને દર્દનાક અકસ્માતોમાં કુલ 9 લોકોના ઘટનાસ્થળે તેમજ સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

યુપીના બારાબંકીમાં ઘર બહાર સૂતેલા પરિવારને ડમ્પરે કચડ્યો, 4ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે ગરમી અને વીજળી ગુલ હોવાના કારણે 35 વર્ષીય નીરજ નામનો વ્યક્તિ તેની પત્ની આરતી અને ત્રણ બાળકો સાથે ઘરની બહાર રોડ કિનારે સૂતો હતો. રાત્રે આશરે બે વાગ્યે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પહેલા ઝાડ સાથે અથડાયા બાદ રોડ કિનારે સૂતેલા આ આખા પરિવાર પર ફરી વળ્યું હતું.

આ અકસ્માતમાં નીરજ (35 વર્ષ) અને તેના 13 વર્ષના પુત્ર અનુરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી દીકરી અંશિકા (10 વર્ષ) અને દીકરા આશુ (6 વર્ષ) એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, એક જ પરિવારના ૪ સભ્યો કાળનો કોળિયો બની ગયા. 

કર્ણાટકના કલબુર્ગીમાં કાર અને ટ્રક વચ્ચે પ્રચંડ ટક્કર, 5ના ઘટનાસ્થળે જ મોત

બીજી તરફ, કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના લાડજાપુર વિસ્તાર પાસે પણ શુક્રવારે મોડી રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. લાડલાપુર પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક અને ક્રૂઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભીષણ હતી કે ક્રૂઝરમાં સવાર તોલુસાબ કેશવર (27), હુસૈન શાહ (48), મૈબૂબ અલી (45), રસૂલ બી (42) અને ફાતિમા અલી (38)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનોની અતિશય ઝડપ અને બેદરકારી હોવાનું મનાઈ રહ્યું છે.