Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 4 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-04 00:14:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-04 22:17:15

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પોલીસે નકલી ચલણી નોટો છાપવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પોલીસે નકલી ચલણી નોટો છાપવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેની નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કલર પ્રિન્ટર પણ કબજે કર્યો છે. આ મશીનમાંથી નકલી નોટો છાપીને બજારમાં ફેરવતા હતા.

2026-04-04 21:28:29

અમદાવાદમાં જુરેલના 75 રન પછી ગુજરાતને મળ્યો 211 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રૉયલ્સે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને 211 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાનના 6/210ના સ્કોરમાં ધ્રુવ જુરેલનું 75 રનનું, યશસ્વીનું પંચાવન રનનું અને વૈભવ સૂર્યવંશીનું 31 રનનું યોગદાન હતું. યશસ્વી અને વૈભવની જોડી બાદ જુરેલ અને શિમરૉન હેટમાયરે શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગજવ્યું હતું. જુરેલે પાંચ સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી, જ્યારે હેટમાયરની 18 રનની ટૂંકી ઇનિંગ્સમાં બે છગ્ગા અને એક ચોગ્ગા હતા. ગુજરાતના પાંચેય બોલરને વિકેટ મળી હતી જેમાં રબાડા સૌથી વધુ બે વિકેટ લેવામાં સફળ થયો હતો.

2026-04-04 21:27:30

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમય મર્યાદા યાદ કરાવી, કહ્યું નહિતર થશે મોટા હુમલા

અમેરિકા ઇઝરાયલ અને ઇરાનનો  35મો દિવસ છે. તેમ છતાં  યુદ્ધવિરામ પર કોઈ સહમતિ નથી બની. આ  દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી એક પોસ્ટથી સંઘર્ષ વધુ તીવ્ર બનવાની શક્યતાઓ વધી ગઈ છે. તેમની પોસ્ટમાં  ટ્રમ્પે ઇરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે અગાઉ ઇરાનને કરાર પર પહોંચવા માટે 6 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. જે સમયમર્યાદાને  તેમણે યાદ કરાવી છે.

2026-04-04 21:03:19

પૅટ કમિન્સ પીઠના ચેક-અપ માટે પાછો ઑસ્ટ્રેલિયા ગયો, કિશનની કેપ્ટન્સી લંબાઈ

સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય સુકાની પૅટ કમિન્સ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ પાસે પીઠનું સ્કૅન કરાવવા માટે ભારતથી પાછો ઑસ્ટ્રેલિયા જવા રવાના થયો છે. તે થોડા દિવસથી ભારતમાં જ હતો અને નેટમાં પ્રૅક્ટિસ પણ કરતો હતો, પણ નવા સ્કૅનિંગ માટેની સૂચના મળતાં તેણે ઑસ્ટ્રેલિયા ભેગા થવું પડ્યું છે. તેની ગેરહાજરીમાં ઇશાન કિશન સુકાન સંભાળી રહ્યો છે. હૈદરાબાદની આગામી મૅચ રવિવાર, પાંચમી એપ્રિલે (બપોરે 3.30 વાગ્યાથી) હૈદરાબાદમાં લખનઊ સામે રમાશે. હૈદરાબાદની ટીમમાં વખતે બેંગ્લૂરુ સામે હાર્યા પછી કોલકાતા સામે જીતી છે.

2026-04-04 20:58:37

યશસ્વીએ બે મોટી ભાગીદારી કર્યા પછી વિકેટ ગુમાવી

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સની ટીમનું રનમશીન ઓપનર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની શરૂઆતની ફટકાબાજી બાદ થોડું ધીમું પડી ગયું હતું અને 14 ઓવરમાં પ્રવાસી ટીમનો સ્કોર 3/148 હતો. યશસ્વી અને વૈભવ વચ્ચે ફરી એક વાર 65-પ્લસની ભાગીદારી થઈ. 30મી માર્ચે ચેન્નઈ સામે આ બન્ને યુવાન ઓપનર વચ્ચે 75 રનની પાર્ટનરશિપ થઈ હતી. યશસ્વીએ વિકેટકીપર ધ્રુવ જુરેલ સાથે 56 રનની ભાગીદારી પણ કરી હતી. આ બે પાર્ટનરશિપ કર્યા બાદ યશસ્વીએ 36 બૉલમાં બનાવેલા પંચાવન રને વિકેટ ગુમાવી હતી. તે રબાડાના બૉલમાં ક્લીન બોલ્ડ થયો એ પહેલાંની હાફ સેન્ચુરીમાં તેની ત્રણ સિક્સર અને છ ફોર સામેલ હતી. વૈભવે 18 બૉલમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 31 રન કર્યા હતા અને તે કાર્યવાહક સુકાની રાશીદ ખાનના બૉલમાં ઊંચો શૉટ મારવાના પ્રયાસમાં ડીપ મિડવિકેટમાં ગ્લેન ફિલિપ્સના હાથમાં કૅચઆઉટ થયો હતો.

2026-04-04 20:07:08

મધ્યપ્રદેશના અનુપપુરમાં ત્રણ માળની લોજ ઘરાશાયી થતાં અનેક લોકો દટાયા હોવાની આશંકા

મધ્યપ્રદેશના અનુપપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. અનુપપુર જિલ્લામા બસ સ્ટેન્ડ નજીક આવેલી અગ્રવાલ લોજની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ છે. જેમાં ઇમારતના ઉપરના ભાગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે બાજુમાં નવી બિલ્ડિંગ માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું  હતું. આ દરમિયાન દુર્ઘટના ઘટી છે. જેમાં પ્રારંભિક માહિતી મુજબ  કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

2026-04-04 20:06:26

અમદાવાદમાં વૈભવ અને યશસ્વીની 175.00-પ્લસના સ્ટ્રાઇક-રેટ સાથે ફટકાબાજી

ગુજરાત ટાઇટન્ટ્સ સામે રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બૅટિંગ પસંદ કર્યા બાદ ખૂબ જ સારી શરૂઆત કરી છે. પાંચ ઓવરમાં ટીમનો સ્કોર વિના વિકેટે 57 રન હતો. વૈભવ સૂર્યવંશી 193.00ના સ્ટ્રાઇક-રેટ સાથે 30 રને રમી રહ્યો હતો જેમાં એક સિક્સર અને પાંચ ફોર સામેલ હતી. સાથી-ઓપનર યશસ્વી જયવસ્યાલ 24 રને દાવમાં હતો. તેનો સ્ટ્રાઇક-રેટ 188.00 હતો.

2026-04-04 19:21:49

ઇરાને અમેરિકા અને ઇઝરાયલને આપી ધમકી, કહ્યું ખાડી દેશોની રાજધાનીઓમાં મોટું સંકટ ઉત્પન્ન થશે

ઇરાનના બુશેહર પરમાણુ કેન્દ્ર નજીક અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઇરાને તીખી પ્રતિક્રિયા આપી છે. આ અંગે ઈરાનના વિદેશ પ્રધાને કહ્યું કે જો આ પરમાણુ કેન્દ્રમાંથી રેડીયેશન લીકેજ થશે તો તહેરાન નહિ પરંતુ સમગ્ર ખાડી દેશોની રાજધાનીઓમાં મોટું સંકટ ઉત્પન્ન થશે.

2026-04-04 19:21:05

અમદાવાદમાં ગુજરાત સામે રાજસ્થાને બૅટિંગ લીધીઃ વૈભવ-યશસ્વી પર સૌની નજર, ગિલ નથી રમવાનો

અમદાવાદમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વખતની આઇપીએલની મૅચ પહેલી જ વાર રમાશે અને એ માટેનો ટૉસ જીતીને રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટાઇટન્સ પોતાની પહેલી મૅચ હારીને આ મૅચમાં રમવા ઊતરશે, જ્યારે રાજસ્થાનના ખેલાડીઓ પોતાની પ્રથમ મૅચ જીતીને બે પૉઇન્ટ મેળવીને અમદાવાદ આવ્યા છે. ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ આ મૅચમાં નથી અને રાશીદ ખાન તેની ગેરહાજરીમાં નેતૃત્વ સંભાળશે. રિયાન પરાગ રાજસ્થાનનો સુકાની છે.

 

2026-04-04 18:41:44

સમીર રિઝવી ફરી દિલ્હીને વિજય તરફ લઈ જઈ રહ્યો છે

મુંબઈ ઇન્ડિયન્સે 163 રનનો જે સાધારણ લક્ષ્યાંક આપ્યો છે એને મેળવવાનું યજમાન દિલ્હી કૅપિટલ્સની ટીમ માટે હવે બહુ મુશ્કેલ નથી, કારણકે 14 ઓવરમાં દિલ્હીનો સ્કોર ત્રણ વિકેટે 121 રન હતો અને જીતવા માટે 36 બૉલમાં માત્ર 42 રન કરવાના બાકી હતા. પાછલી મૅચના હીરો સમીર રિઝવી (72 નૉટઆઉટ, 43 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) ફરી એક વખત મૅચ વિનર બની શકે એમ છે. કુલ સવાસો રનમાં શ્રીલંકન ઓપનર નિસાન્કાએ 44 રનનું યોગદાન છે. સમીર સાથે ડેવિડ મિલર એક રને દાવમાં હતો.

2026-04-04 18:33:51

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇંધણની પેનિક ખરીદી ન કરવા અપીલ કરી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ બાદ સર્જાયેલા ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર નાગરિકોને ગભરાઇને ખરીદી ન કરવા અપીલ કરી છે. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ દેશમાં ઇંધણનો પૂરતો પૂરવઠો છે. તેમજ હાલ નિર્ધારિત સમયમાં નાગરિકોને પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

2026-04-04 17:52:07

દિલ્હીએ પણ બે વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી

પાટનગર દિલ્હીમાં મુંબઈ ઇન્ડિયન્સે માત્ર 18 રનમાં પહેલી બે વિકેટ ગુમાવી હતી એ રીતે યજમાન દિલ્હી કૅપિટલ્સે પણ બે વિકેટ સસ્તામાં ગુમાવી દીધી છે. દીપક ચાહરની પહેલી જ ઓવરમાં કે. એલ. રાહુલ (1 રન) હરીફ વિકેટકીપર રાયન રિકલ્ટનના હાથમાં કૅચઆઉટ થયો હતો. રાહુલ પૅવિલિયનમાં પાછા જઈને માંડ સીટમાં ગોઠવાયો હશે ત્યાં તો નીતીશ રાણા (0)ને બુમરાહે સીધા થ્રોમાં રનઆઉટ કરી દેતાં દિલ્હીની છાવણીમાં સોપો પડી ગયો હતો. ઓપનર પથુમ નિસાન્કા સાથે પાછલી મૅચનો હીરો સમીર રિઝવી જોડાયો હતો. 2.4 ઓવરમાં દિલ્હીનો સ્કોર 2/12 હતો.

2026-04-04 17:33:39

દિલ્હીને મુંબઈ 163 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શક્યું

મુંબઈ ઇન્ડિયન્સે અરુણ જેટલી સ્ટેડિયમમાં એકમાત્ર સૂર્યકુમાર યાદવ (51 રન, 36 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી અને અન્ય ચાર બૅટ્સમેનના સાધારણ પર્ફોર્મન્સની મદદથી દિલ્હી કૅપિટલ્સ સામે 20 ઓવરમાં છ વિકેટે 162 રન કર્યા હતા અને અક્ષર પટેલની ટીમને 163 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. 162 રનમાં રોહિત શર્માનો 35 રનનો, નમન ધીરનો 28 રનનો, મિચલ સૅન્ટનરનો અણનમ 18 રનનો અને કોર્બિન બૉશ્ચનો અણનમ 11 રનનો સાધારણ ફાળો હતો. દિલ્હીના મુકેશ કુમારે બે વિકેટ તેમ જ ઍન્ગિડી, અક્ષર, વિપ્રજ અને ટી. નટરાજને એક-એક વિકેટ મેળવી હતી. ઇનિંગ્સની શરૂઆતમાં મુકેશકુમારે તિલક વર્માનો શાનદાર વળતો કૅચ ઝીલ્યો હતો. હાર્દિક અસ્વસ્થ હોવાથી આ મૅચમાં નથી રમ્યો એટલે મુંબઈની બોલિંગ થોડી નબળી પડી શકે.

2026-04-04 16:49:11

વધુ બે આંચકા બાદ મુંબઈના 84મા બૉલમાં 100 રન પૂરા

પાટનગર દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે એક પછી એક આંચકા બાદ મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ્સ થોડી સંતુલિત બની અને 14મી ઓવરને અંતે (કુલ 84 બૉલમાં) કુલ સ્કોર 4/100 હતો. દિલ્હીના પેસ બોલર મુકેશ કુમારે પહેલા બે ઝટકા આપ્યા બાદ કૅપ્ટન અક્ષર પટેલ ત્રાટક્યો હતો જેણે રોહિત શર્મા (26 બૉલમાં 35 રન)ને કવરમાં નીતીશ રાણાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. આ સાથે, રોહિત સામે અક્ષરે સારો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. 10મી ઓવરમાં રોહિત આઉટ થયો ત્યાર બાદ 12મી ઓવરમાં શેરફેન રુધરફર્ડ ફક્ત પાંચ રનના પોતાના સ્કોર પર વિપ્રજ નિગમના બૉલમાં મુકેશકુમારને કૅચ આપી બેઠો હતો. 15.2 ઓવરમાં મુંબઈનો સ્કોર 4/122 હતો અને કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવે 35મા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને નૉટઆઉટ હતો. તેણે બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે નમન ધીર 18 રને રમી રહ્યો હતો.

2026-04-04 16:40:43

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બાળકને માર મારતો વિડીયો વાઇરલ, બે શિક્ષકોની ધરપકડ

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં  મદરેસામાં એક માસૂમ બાળકને માર મારતો વિડીયો વાઇરલ થયો છે. જેમાં બે શિક્ષકો દ્વારા તેને સોટીથી માર મારવામાં આવી રહ્યો છે. તેમાં એક શિક્ષક બાળકને પકડી રાખે છે જ્યારે બીજો શિક્ષક બાળકના આક્રંદ વચ્ચે સતત તેને માર મારી રહ્યો છે. જોકે, આ  ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તેમજ બે બે શિક્ષકોની ધરપકડ  કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2026-04-04 15:55:54

મુંબઈએ ત્રણ બૉલમાં રિકલ્ટન અને તિલકની વિકેટ ગુમાવી

નવી દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા બાદ ટીમનો જોરદાર ધબડકો થયો હતો. પેસ બોલર મુકેશ કુમારે પોતાની બીજી ઓવરમાં ત્રણ બૉલમાં બે વિકેટ લઈ લીધી હતી. રાયન રિકલ્ટન ફક્ત નવ રન બનાવીને મુકેશના બૉલમાં મિડ-ઑફ પર કૅપ્ટન અક્ષર પટેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. વનડાઉનમાં આવેલો તિલક વર્મા માંડ એક બૉલ રમ્યો ત્યાર બાદ બીજા બૉલમાં શૂન્ય પર મુકેશના જ હાથમાં કૅચ આપી બેઠો હતો. સામા છેડે રોહિત શર્માએ બન્ને સાથીને વહેલા પાછા જતા જોવા પડ્યા હતા. 18મા રને આ બે ઝટકા લાગ્યા બાદ કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે આવ્યો હતો અને રોહિત સાથે જોડાયો ત્યાર બાદ ચાર ઓવરને અંતે મુંબઈનો સ્કોર બે વિકેટે પચીસ રન હતો. હાર્દિક પંડ્યાની તબિયત સારી ન હોવાથી આ મૅચમાં નથી રમ્યો.

2026-04-04 15:53:15

અમેરિકા ઇઝરાયલે ઈરાનના પાવર પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો

મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ઈરાન દ્વારા આક્રમક હુમલાઓ બાદ હવે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. જેમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના  પાવર પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર ઘાતક હુમલો કર્યો છે. આ બુશેહર સુવિધા પર ચોથો મોટો હુમલો હતો. જે ઈરાનના કથિત પરમાણુ પ્લાન્ટની બ્રાઉન્ડી  વોલ નજીક હતો. જોકે, આ હુમલા છતા પાવર પ્લાનટ કાર્યરત હોવાનો ઇરાને દાવો કર્યો છે.

2026-04-04 15:24:01

આરબીઆઈ કરશે બેંકિંગ સિસ્ટમમાં મોટો બદલાવ, મોબાઈલ નંબરની જેમ જ બેંક બદલી શકાશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોના ગ્રાહકો માટે એક મોટો બદલાવ કરવામાં જઈ રહી છે. જેમાં મોબાઈલ નંબરની જેમ જ ગ્રાહક માટે બેંક બદલવી સરળ બની જશે. આ માટે આરબીઆઈ તેના  પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ એક આધુનિક માળખા પર કામ કરી રહી છે. જે માટે આરબીઆઈ એક કેન્દ્રિય સિસ્ટમ વિકસાવી રહી છે.

2026-04-04 14:40:59

રાજકોટના મેટોડામાં GIDCમાં આવેલી EPP ફેક્ટરીમાં લાગી આગ

રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલી GIDCમાં એક કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. EPP ફેક્ટરી નજીક ખુલ્લામાં પડેલા રબ્બરના વેસ્ટમાં આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ પાંચ જેટલા ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી

2026-04-04 11:47:03

દાદરાનગર હવેલીમાં સર્જાઈ મોટી દુર્ઘટના

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં મોટી દુર્ઘટના  સર્જાઈ છે.  દેમણી સ્કૂલ ફળિયામાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં  વિસ્ફોટ થવાથી 3 લોકોના મોત થયા છે. જ્યારે  6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે

2026-04-04 11:45:38

મહીસાગરમાં લગ્નની લાલચે ઠગતી ગેંગ થઈ સક્રિય

મહીસાગરમાં લગ્નની લાલચમાં ઠગતી ગેંગનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના યુવક સાથે રૂ. અઢી લાખની ઠગાઇ થઈ છે. રાજસ્થાની યુવતીએ યુવક સાથે ખોટા લગ્ન કર્યા અને અઢી લાખ પડાવ્યા હતા. દોઢ માસ સુધી પત્ની તરીકે રહી યુવતી રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. રાજસ્થાની યુવતીએ માતાના મંદિરે યુવક સાથે લગ્ન કર્યા હતા. પિયર ગયા પછી પરત ન ફરતા લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો હતો.

2026-04-04 09:24:20

હોર્મુઝથી 58000 મેટ્રિક ટન LPG લઈને ભારત આવી રહ્યું છે સાતમું ટેન્કર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે 58,811 મેટ્રિક ટન LPG ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ 'ગ્રી-સાન્વી' સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હુમલાખોર અથવા ખોટી ઓળખના જોખમથી બચવા માટે આ જહાજે પોતાની ખાસ રણનીતિ અપનાવી છે. તેના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) સિગ્નલમાં ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂનો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે.

2026-04-04 08:35:23

ગુજરાતમાં 28 તાલુકામાં કમોસમી વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-04-04 08:34:00

ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું વધુ એક વિમાન

અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન ગંભીર બની રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના એફ-15ઈ ફાઈટર જેટ તોડી પાડવાથી યુદ્ધ ખતમ કરવાની ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર નહીં પડે. જોકે તેમણે લાપતા પાયલટ અંગે મૌન સેવ્યું હતું.