(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી મહત્ત્વની ગણાતી ૩,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ગુરુવારે પડેલા ભંગાણને પડલે લાખો લિટર પાણીનો વેડફાટ થયા બાદ આખરે પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ કરવામાં પાણીપુરવઠા વિભાગને સફળતા મળી છે. પાઈપલાઈનમાં થયેલા ગળતરને પગલે શુક્રવારની સાથે જ સતત બીજા દિવસે શનિવારે પણ અનેક વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ હતી. જોકે આજથી પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.
થાણેના તીન હાથ નાકા પરિસરમાં ૩,૦૦૦ મિલીમીટર આવેલી મુંબઈ-થ્રી પાઈપલાઈનમાં ગુરુવાર, ૧૩ ઑગસ્ટના રાતના ગળતર જણાઈ આવ્યું હતું અને તેને કારણે લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીપુરવઠા વિભાગે ગુરુવારે મોડી રાતે તાત્પૂરતું ગળતર રોક્યું હતું પણ જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનમાં ગળતર શોધીને તેનું સમારકામ અત્યંત પડકારજનક હતું. ગુરુવારથી હાથ ધરવામાં આવેલું સમારકામ છેક શનિવાર, ૧૫ ઑગસ્ટના સાંજના પાંચ વાગે પૂર્ણ થયું હતું.
પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ-થ્રી પાઈપલાઈનમાં ગુરુવારે મોડી રાતે ગળતર જણાઈ આવ્યા બાદ અધિકારી અને કર્મચારીઓએ ભારે પ્રયાસ બાદ પાઈપલાઈન પર છિદ્રને લાકડાની ખૂંટી બેસાડીને તાત્પૂરતું ગળતર બંધ કયુર્ર્ં હતું.
આ દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલી પાણીની પાઈપલાઈનનું આજુબાજુનો પરિસર ખોદીને ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમાં રહેલા પાણીને પાણી કાઢીને વિસ્તારને સૂકો કરવામાં આવ્યો હતો. એ બાદ પાઈપલાઈન પર ખરાબ થયેલા ભાગ પર પોલાદની પૅચ પ્લેટ બેસાડીને તે વેલ્ડિંગ કરીને કાયમ સ્વરૂપી સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે શુક્રવાર મોડી રાતના પાઈપલાઈનમાં ફરી ગળતર જણાઈ આવ્યું હતું. પાણીના પ્રચંડ દબાણને કારણે સમારકામમાં અવરોધ નિર્માણ થયો હતો અને તેને કારણે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડયો હતો.
છેવટે પિસે પમ્પિંગ સ્ટેશન અને પાંજરાપૂર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સાથે સમન્વય સાધીને પાણીપુરવઠો નિયંત્રણમાં લાવવામાં આવ્યો હતો. ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનનું સુરક્ષિત રીતે શનિવાર સાંજના પાંચ વાગ્યા સુધીમાં સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું