વિઠ્ઠલ વઘાસિયા
આગામી શનિવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. માનવ જીવનમાં ભાષાનું સ્થાન અતિ મહત્ત્વપૂર્ણ છે. માતૃભાષા માનવની ઓળખ, સંસ્કૃતિ, વિચારધારા અને ભાવનાઓનું પ્રતિબિંબ છે. દરેક માનવ જે ભાષામાં પ્રથમ શબ્દ બોલે છે, માતા પાસેથી જે ભાષામાં લાડપ્યાર સાંભળે છે, તે ભાષા તેની માતૃભાષા કહેવાય છે. માતૃભાષા વ્યક્તિના વ્યક્તિત્વના પાયાનું નિર્માણ કરે છે. આ મહત્ત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ માતૃભાષા દિવસની શરૂઆત એક દુ:ખદ ઘટના સાથે જોડાયેલી છે. 1952માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં બંગાળી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો અપાવવા માટે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. 21 ફેબ્રુઆરીના દિવસે આ આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓ શહીદ થયા. તેમની ભાષા પ્રત્યેની નિષ્ઠા અને બલિદાનને માન આપવા માટે ‘યુનેસ્કો’ એ 1999માં 21 ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઘોષિત કર્યો.
માતૃભાષાનું મહત્ત્વ વધે,ઘસાતી અટકે અને માતૃભાષા પ્રત્યે લોકોનો આદર જળવાઈ રહે, એવા ઉમદા આશયથી ગુજરાત સાહિત્ય અકાદમી દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ‘માતૃભાષા મહોત્સવ’ ની ઉજવણી કરે છે. આ મહોત્સવ અંતર્ગત રાજ્યની પાંચસોથી પણ વધુ સંસ્થાઓમાં ગોષ્ઠિ, વ્યાખ્યાનો અને કવિ સંમેલનોનું આયોજન કરવામાં આવે છે.
માતૃભાષા માનવીના હૃદય સાથે જોડાયેલી હોય છે. તેમાં વિચાર કરવો, લાગણી વ્યક્ત કરવી અને સંવેદનાઓ અનુભવવી વધુ સહજ હોય છે.બાળ શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ બાળકની સમજશક્તિ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. સંશોધનો પણ દર્શાવે છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તો બાળક વધુ સારી રીતે શીખે છે.
માતૃભાષા સંસ્કૃતિની વાહક છે. લોકકથાઓ, લોકગીતો, કહેવતો, પરંપરાઓ અને જીવનમૂલ્યો માતૃભાષા દ્વારા જ પેઢી દર પેઢી જળવાય રહે છે. ભાષાનો ભોગ એટલે સંસ્કૃતિનો ભોગ.
આજે વિશ્વમાં અંદાજે સાત હજાર જેટલી ભાષાઓ બોલાય છે, પરંતુ દુ:ખની વાત એ છે કે તેમાંની ઘણી ભાષાઓ લુપ્ત થવાના આરે છે. વૈશ્વિકીકરણ, શહેરીકરણ, ટેકનોલોજી અને પ્રભુત્વ ધરાવતી ભાષાઓના વધતા પ્રભાવને કારણે નાના ભાષા સમુદાયો પોતાની ભાષા છોડતા જાય છે. યુનેસ્કોના અંદાજ મુજબ દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થાય છે. આ માત્ર ભાષા લુપ્ત થવાની ઘટના નથી, પરંતુ માનવ જ્ઞાનના એક ખજાનાનો અંત છે.
શિક્ષણ અને માતૃભાષા વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે બાળક પોતાની માતૃભાષામાં શીખે છે ત્યારે તે પ્રશ્ન પૂછવામાં સંકોચ અનુભવતું નથી, વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે છે અને શીખવામાં આનંદ અનુભવે છે. માતૃભાષા આધારિત શિક્ષણ સામાજિક સમાનતા લાવે છે, કારણ કે દરેક બાળકને સમાન અવસર મળે છે.
આજના સમયમાં અંગ્રેજી કે અન્ય વૈશ્વિક ભાષાઓનું મહત્ત્વ અસ્વીકાર્ય નથી, પરંતુ તે માતૃભાષાના સ્થાને નહીં, પરંતુ પૂરક તરીકે આવવી જોઈએ.
માતૃભાષા માનવીની ઓળખનું મુખ્ય તત્ત્વ છે. ’હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ ઘણી વખત ભાષા આપે છે. ભાષા દ્વારા જ વ્યક્તિ પોતાના સમાજ, પ્રદેશ અને પરંપરાઓ સાથે જોડાયેલ રહે છે. જે સમાજ પોતાની માતૃભાષાનો તિરસ્કાર કરે છે, તે ધીમે ધીમે પોતાની ઓળખ ગુમાવતો જાય છે.
ગુજરાતી, મરાઠી, તમિળ, બંગાળી, ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓ માત્ર બોલચાલ માટેનું માધ્યમ નથી, પરંતુ સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને જીવન દૃષ્ટિની સમૃદ્ધ પરંપરા છે. માતૃભાષાનું ગૌરવ રાખવું એટલે પોતાની જ ધરોહરને સન્માન આપવું.
આજની યુવા પેઢી પર વિદેશી ભાષાઓ અને સંસ્કૃતિનો ભારે પ્રભાવ જોવા મળે છે. ઘણીવાર માતૃભાષામાં વાત કરવામાં નાનપ અનુભવે છે. શાળા, ઘર અને સમાજમાં માતૃભાષાનો ઉપયોગ ઘટતો જાય છે. ટેકનોલોજી અને સોશ્યલ મીડિયા પર પણ પ્રાદેશિક ભાષાઓને પૂરતું સ્થાન મળતું નથી.
આ પરિસ્થિતિમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે માતૃભાષાનો ઉપયોગ પ્રગતિમાં અવરોધ નથી, પરંતુ મજબૂત પાયો છે. ‘સાર્થ જોડણીકોશ’ માં ગાંધીજીએ લખ્યું છે કે, ‘અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે. તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’
સુરતની મહારાણા પ્રતાપ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલિયા છેલ્લાં 16 વર્ષથી માતૃભાષા સજ્જતા અને સંવર્ધન માટે સતત મથી રહ્યા છે. ‘સાચી જોડણી લાગે વ્હાલી’ અને ‘ભાષા સજ્જતા’ નામની 3 લાખ 50 હજાર જેટલી પુસ્તિકાઓ રાજ્યની અનેક શાળા - કોલેજોમાં પહોંચતી કરી છે.એટલું જ નહીં બલકે આઠ હજારથી વધારે શાળા - કોલેજોમાં ભાષા સજ્જતા માટેના સેમિનારો કર્યા છે.
માતૃભાષાનું સંરક્ષણ દરેક વ્યક્તિની જવાબદારી છે. ઘરમાં બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરવી, શાળાઓમાં માતૃભાષાને પ્રોત્સાહન આપવું, માતૃભાષામાં પુસ્તકો વાંચવા-લખવા, લોકસાહિત્યને જીવંત રાખવું- આવા નાનાં પગલાં મોટું પરિવર્તન લાવી શકે છે.
વિશ્વ માતૃભાષા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ એક વિચારધારા છે. માતૃભાષા એ આપણો શ્વાસ છે, આપણી ઓળખ છે.
તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોનાં સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? એ કયું ગુજરાતી વાંચે છે ? એમનું અડધું પડધું ગુજરાતી તમને કેમ પરાયું લાગે છે ? આપ આવા બધા પ્રશ્ન વિશે પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે આજની.
ગુજરાતી પ્રજાએ એ ખાસ ખ્યાલ રાખવાનો છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારિતાને બચાવવાની છે.
‘ભાષાનું મૃત્યુ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી’. (ગુણવંત શાહ)