Thu Apr 16 2026

Logo

સીઝફાયરનું એલાન છતા હોર્મુઝમાં સ્થિતિ ચિંતાજનક, 1800 જહાજને નથી મળ્યું 'ગ્રીન સિગ્નલ'

Dubai   2026-04-08 17:38:29
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ ઈરાન-અમેરિકા વચ્ચે સીઝફાયરના એલાન બાદ હોર્મુઝને લઈને હવે ચિંતા વધી રહી છે. રિપોર્ટ અનુસાર હજુ હોર્મુઝ ક્રીકની આસપાસના સમુદ્રી વિસ્તારમાં 1800થી વધારે જહાજ સમુદ્રમાં ફસાયેલા પડ્યા છે. આ જહાજ ત્યાંથી રવાના ન થતા એશિયાના મોટાભાગના દેશની ચિંતા રાતોરાત વધી ગઈ છે.  સમુદ્રી પરિવહનને લઈને હજુ પણ માહોલ તણાવગ્રસ્ત જોવા મળી રહ્યો છે.  8 એપ્રિલના રોજ સામે આવેલા એક રિપોર્ટ અનુસાર હોર્મુઝ ક્રીકની આસપાસ હજુ પણ જહાજની લાંબી લાઈન લાગી છે. 

1800થી વધારે જહાજ ફસાયેલા
ઈન્શ્યોરન્સ જનરલના રિપોર્ટ અનુસાર ગલ્ફમાં 800થી વધારે જહાજ ફસાયેલા પડ્યા છે. દુબઈ અને ઓમાનની ખાડીને ધ્યાને લેવામાં આવે તો આ સંખ્યા 1000ને પાર પહોંચી શકે, કુલ મળીને 1800 થી વધારે જહાજ હજુ હોર્મુઝમાંથી નીકળી શક્યા નથી. હોર્મુઝ ક્રીકનો સમુદ્રી માર્ગ હજુ સુધી સંપૂર્ણ રીતે ખૂલ્યો નથી. ફસાયેલા જહાજમાં સૌથી વધુ ચિંતા ક્રૂડ ઓઈલ અને ગેસને લઈને છે. 800માંથી 426 જહાજ એવા છે જે ક્રૂડ ઓઈલ અને ફ્યુલ લઈને જઈ રહ્યા છે, 34 જહાજમાં LPG, 19 જહાજમાં LNG છે. બાકીના જહાજ પર દુનિયાના અન્ય દેશ માટેનું અનાજ, કરિયાણું, ધાતુ, ઓજાર અને કેટલીક જીવન જરૂરી વસ્તુઓ છે. 

ટ્રાફિક રાતોરાત ઘટી 
સીઝફાયરના એલાન પછી પણ માર્કેટમાં માહોલ ભયનો રહ્યો છે. મોટી સંખ્યામાં જરૂરી સામાન જહાજ ન આવવાને કારણે ફસાઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર યુદ્ધ પહેલા ફેબ્રુઆરી મહિનામાં દૈનિક ધોરણે 130થી વધારે જહાજ અહીંયાથી પસાર થતા હતા. માર્ચ મહિનામાં આ સંખ્યા ઘટીને માત્ર 6 જહાજ સુધી સિમિત થઈ ગઈ.  એક જ મહિનામાં ટ્રાફિકમાં 95 ટકાનો ઘટાડો થયો. 1 માર્ચથી લઈને અત્યાર સુધી ક્રૂડ ઓઈલના ટેન્કરની વાત કરવામાં આવે તો માત્ર 1 જહાજ જ પ્રતિદિવસ આ જળમાર્ગને ક્રોસ કરે છે. આનો સીધો અર્થ એ છે કે,  દુનિયાને મળનારી ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે. સીઝફાયરના એલાન બાદ માત્ર હલચલન શરૂ થયું છે. 

જાદુઈ સ્વિચ નથી
આ નિર્ણય બાદ માત્ર ગ્રીક માલિકીનું એક ટેન્કર જ પાસ થઈ શક્યુ છે. નિપ્પોન યુસેન જેવી દુનિયાની મોટી શિપિંગ કંપની હજુ પણ વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં છે. આ કંપનીઓનું કહેવું છે કે, દરેક મુવમેન્ટ અને હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં સુરક્ષા સલાહકારો અને વીમા કંપનીઓ સાથે વાતચીત ચાલું છે. હાલ તો કોઈ વીમા કંપની જોખમ લેવા માગતી નથી. આ પાછળનું કારણ એ છે કે, મોંઘા જહાજ પર કોઈ જોખમ ઊઠાવવા માગતું નથી. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, ગ્લોબલ શિપિંગ કંપનીઓ પાસે કોઈ એવી જાદુઈ સ્વિચ નથી જે ચાલું કર્યા બાદ 24 કલાકમાં બધુ સામાન્ય થઈ જાય. ટેન્કર માલિકો અને જહાજમાં રહેલા ચાલકો-ક્રૂને ભરોસો અપાવવા જોઈએ કે, હવે કોઈ પ્રકારે કોઈ જ હુમલો નહીં કરે.

4 અઠવાડિયાનો સમય લાગશે
સમુદ્રના જળમાર્ગમાં ફરીથી પહેલા જેવી રોનક આવતા અઠવાડિયાઓ નહીં મહિનાઓ લાગશે. કારણ કે, જે જહાજ જે તે ડેસ્ટિનેશન સુધી જાય છે એ જ ફરી પાછા આવશે કે નહીં એ અત્યારે નક્કી નથી. જહાજ થકી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઑપરેશન ફરીથી વેગવંતા થતા આશરે 3 મહિના જેટલો સમય લાગી શકે છે. સિંગાપોરથી ખાડીના દેશ સુધી પહોંચવામાં જહાજને 4 અઠવાડિયાનો ઓછામાં ઓછો સમય લાગે છે. એકવાર જહાજ ચાલું થયું તો એશિયાના દેશ સુધી તેલની નવી ખેપ  પહોંચતા ઓછામાં ઓછા 8 અઠવાડિયાનો સમય લાગી શકે.