ભુજઃ કચ્છ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા વિકાસકામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા લોટ પાણી ને લાકડા જેવા કામોનું પોત વરસાદ બાદ પ્રકાશવા લાગ્યું છે. નખત્રાણા તાલુકાના મથલ ગામ નજીક ધરૂડ નદી પર અંદાજિત રૂ. ૧૮ કરોડના માતબર ખર્ચે નવાનિર્મિત પુલમાં પ્રથમ ચોમાસાના સામાન્ય વરસાદમાં જ મસમોટું ગાબડું પડી જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મથલ ગામની ધરૂડ નદી પર ટોડિયા ફાટક તરફ જતા માર્ગ પર તાજેતરમાં જ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ પુલના એપ્રોચ રોડ પર ગાબડું પડી ગયું હતું. આ અંગે મથલ ગામના સરપંચ હુશેન ખલીફાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણ સમયે માટીકામ યોગ્ય રીતે ન કરાયું હોવાથી આ ગાબડું પડ્યું છે. સદ્ભાગ્યે ગાબડું પડ્યું તે સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે દેશલપરથી હાજીપીર તરફ બનેલા ૩૨ કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડની કામગીરીમાં પણ લોટપાણી કરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, માર્ગો અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાહેર મંચ પરથી ગામના આગેવાનો અને જનતાને હાકલ કરી હતી કે, જો તેમના વિસ્તારમાં કોઈ પણ વિકાસકામ નબળું થતું જણાય તો તુરંત જ તેમને ધ્યાન દોરવું, જેથી ગુણવત્તાહીન કામ અટકાવી શકાય. તેમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે લોકજાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર પુલમાં પડેલા ગાબડાના વીડિયો અને તસવીરો વાયરલ થતાં જ મશીનરી સાથે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા અને ઉતાવળે ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરીને વિવાદ ડામવાનો પ્રયાસ કર્યો હતો. જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર ભ્રષ્ટ કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
(ઉત્સવ વૈદ્ય)