Thu Jun 18 2026

Logo

ખાલી ટેમ્પાના તળિયે બનાવેલા ચોરખાનામાંથી મળી આવ્યા બીયરના 1704 ટીન; પોલીસની સફળ રેડ

2026-03-02 13:38:16
Author: Devayat Khatana
Article Image

વડોદરા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂ માફિયાઓ નિતનવા કિમિયા અપનાવીને દારૂ ઘૂસાડવાના પ્રયાસો કરતાં હોય છે . ત્યારે હોળી પર ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના એક પ્રયાસને વડોદરા ગ્રામ્ય પોલીસે નાકામ બનાવ્યો હતો.  જેમાં પોલીસની નજરથી બચવા ખાલી ટેમ્પોના તળિયામાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાંપા ગામની સીમમાં વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભરૂચ તરફથી વડોદરા જઈ રહેલા ટેમ્પાને આંતર્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો ખાલી જણાતો હતો, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પાના પાછળના ડાલાના તળિયામાં કુશળતાપૂર્વક બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું.

આ ચોરખાનામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 1,704 ટીન (71 પેટી) જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત રૂ. 3,74,880 થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે રૂ. 2,50,000 ની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 6,25,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાઈવે પર વાહનોની અવરજવર વધુ હોવાથી પોલીસે સુરક્ષાના કારણોસર ટેમ્પાને કરજણ પોલીસ સ્ટેશન લાવીને દારૂની ગણતરી હાથ ધરી હતી.

આ મામલે પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ડ્રાઈવર ગબ્બર બાબુલાલ બનજારા (રહે. મધ્યપ્રદેશ) અને ક્લીનર મહેન્દ્ર શ્યામઅવધ યાદવ (રહે. વડોદરા, મૂળ યુ.પી.) નો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો અંકલેશ્વર નેશનલ હાઈવે-48 પરથી બન્નુ બદ્રીલાલ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તે વડોદરા ખાતે પહોંચાડવાનો હતો. હાલમાં પોલીસે ફરાર આરોપી બન્નુ બદ્રીલાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કરજણ પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે 'ઈ-સાક્ષ્ય' એપ્લીકેશન દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને વૈજ્ઞાનિક પુરાવા પણ એકત્ર કર્યા છે.