Tue Aug 18 2026

Logo

ગાંધીનગરના કલોલમાં 17 વર્ષની દુષ્કર્મ પીડિતાનું ત્રણ દિવસ બાદ મોત, પ્રેમીએ જ આચર્યું દુષ્કર્મ

2026-08-09 09:13:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કલોલ તાલુકાની એક 17 વર્ષની સગીરા પર તેના પ્રેમીએ જ દુષ્કર્મ આચર્યું છે. આ અત્યાચાર એટલો ભયાનક હતો કે સગીરાને થયેલા અતિશય રક્તસ્ત્રાવને કારણે તેની કિડની અને આંતરડામાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું, અને ત્રણ દિવસથી બેભાન હાલતમાં રહ્યા બાદ સગીરાનું મોડીરાતે મોત નીપજ્યું છે. 

ગાંધીનગરના કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સગીરાનું મોડીરાતે મોત નીપજ્યું છે. આ મામલે પેથાપુર પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

શું કહ્યું પેથાપુર પોલીસે

પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર દેસાઈના જણાવ્યા અનુસાર મોડીરાતે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સગીરાના પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. પીઆઇ દેસાઇએ કહ્યું કે ડોક્ટરોના મતે વધુ પડતા રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શનના લીધે સગીરાનું મોત થયું છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને દુષ્કર્મનું ચોક્કસ સ્થળ નક્કી કરવા સીસીટીવી ફુટેજ ચકાસાઈ રહ્યા છે. હજુ સુધી આ ઘટનામાં કોઇ સામૂહિક દુષ્કર્મ થયું હોય તેવી શક્યતા દેખાતી નથી.

શું છે આખી ઘટના? 

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 6 ઓગસ્ટના રોજ સગીરા કોલેજ જવા માટે નીકળી હતી. ત્યાંથી તે પોતાની માસીના ઘરે જવાની હતી, પરંતુ રસ્તામાં તેનો પરિચિત અને પેથાપુરનો 22 વર્ષીય દિશાંત ઉર્ફે દીપ શર્મા તેને પથિકાશ્રમથી બાઈક પર બેસાડી એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા તેને ગંભીર રક્તસ્ત્રાવ શરૂ થયો અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. જેથી આરોપીએ પોતાના પિતા ભરતભાઈને જાણ કરી હતી.

બીજા દિવસે સગીરાની હાલત વધુ લથડી

સગીરાની હાલત વધુ લથડતા ભોગ બનનારના પરિવારજનોને જાણ કર્યા બાદ આરોપી દિશાંત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

ત્યારબાદ બાપ-દીકરો સગીરાને રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પિતાએ સગીરાને પોતાની દીકરી ગણાવી દાખલ કરાવી હતી. જોકે, મોડીસાંજ સુધી સગીરા તેની માસીના ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે સ્થિતિ વધુ વણસતાં આખરે સગીરાના પરિવારને જાણ કરી આરોપી દિશાંત ફરાર થઈ ગયો હતો. બાદમાં પીડિતાને વધુ સારવાર અર્થે એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી, જ્યાં તેનું 8 ઓગસ્ટની મોડીરાતે મોત નીપજ્યું છે.