અમદાવાદ: ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ સામે વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નોટિસો ફટકારવામાં આવી છે, તેમજ ગંભીર બેદરકારી સામે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં નિર્દોષ નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં કરતા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરવા માટે એક વ્યાપક અને આક્રમક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા એકમો સામે તંત્ર દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયું છે, જેમાં 154 હોટલો અને 62 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર લાપરવાહી દાખવનારી 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થાને સીલ કરી દેવામાં આવી છે.
સૌથી વધુ કડક કાર્યવાહી પશ્ચિમ (વેસ્ટ) ઝોનમાં
તંત્ર દ્વારા સૌથી વધુ કડક કાર્યવાહી પશ્ચિમ (વેસ્ટ) ઝોનમાં કરવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં જ માત્ર 47 હોટલો અને 12 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ અપાઈ છે, જ્યારે 7 હોટલો અને એક સંસ્થાને કાયમી તાળાં મારી દેવાયા છે. આ સિવાય નોર્થ વેસ્ટ ઝોનમાં પણ ફાયર એનઓસી વગર ધમધમતી 6 હોટલોને સીલ કરવામાં આવી છે. આ જ રીતે નોર્થ વેસ્ટ ઝોનમાં પણ ફાયર સેફ્ટીના અભાવે 24 હોટલ અને 5 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 29 નોટિસ આપીને 6 હોટલોને સીલ કરી દેવાઈ હતી.
ઈસ્ટ ઝોનમાં 16 હોટલ અને 24 શૈક્ષણિક સંસ્થાઓ સહિત સૌથી વધુ 40 નોટિસ
બીજી તરફ, ઈસ્ટ ઝોનમાં 16 હોટલ અને 24 શૈક્ષણિક સંસ્થાઓ સહિત સૌથી વધુ 40 નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 27 હોટલ અને 8 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 35 નોટિસ ઇશ્યૂ કરાઈ હતી. દક્ષિણ અને ઉત્તર ભાગની વાત કરીએ તો, સાઉથ વેસ્ટ ઝોનમાં 20 હોટલને નોટિસ, સાઉથ ઝોનમાં 13 હોટલ અને 3 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 16 નોટિસ તેમજ નોર્થ ઝોનમાં 7 હોટલ અને 10 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 17 નોટિસ આપીને તંત્ર દ્વારા કડક ખુલાસો માંગવામાં આવ્યો છે.
કોમર્શિયલ બિલ્ડિંગો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ભારે ફફડાટ
તંત્રની આ આકસ્મિક તપાસને પગલે કોમર્શિયલ બિલ્ડિંગો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને જો નિયમોનું પાલન નહીં થાય તો સીલિંગની પ્રક્રિયા વધુ કડક કરાશે.