Tue Aug 25 2026

Logo

કચ્છના દરિયાકાંઠે સર્ચ ઓપરેશનમાં વધુ 12 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

2026-05-05 13:19:00
Author: Mayur Patel
કચ્છના દરિયાકાંઠે સર્ચ ઓપરેશનમાં વધુ 12 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

ભુજઃ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠેથી માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રાલિંગ દરમિયાન અબડાસા અને લખપત તાલુકાના સાગરકાંઠેથી વધુ ૧૨ ચરસનાં પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. 

બીજી તરફ, આજથી સમુદ્રી સીમાની સુરક્ષા મજબૂત કરવા માટે કોસ્ટગાર્ડ દ્વારા બે દિવસીય 'સાગર કવાયત'નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ગત સોમવારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત પેટ્રાલિંગમાં દરિયાના મોજાં સાથે સામેપારથી તણાઈ આવેલા ચરસનાં બે પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થો જખૌ પોલીસને સુપરત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા સુગરબેટ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચરસના વધુ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. બીએસએફના જવાનોએ આ જથ્થો નારાયણ સરોવર પોલીસને સોંપ્યો છે. આ પેકેટો ક્યાંથી આવ્યા અને તેના સ્ત્રોત શું છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

દરમ્યાન, દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી અને તસ્કરી રોકવા માટે મંગળ અને બુધવાર એમ બે દિવસ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના દરિયામાં 'સાગર કવાયત' હાથ ધરવામાં આવશે. આ કવાયતમાં મરીન પોલીસ, કસ્ટમ્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાશે, જેનો મુખ્ય હેતુ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવાનો છે.

(ઉત્સવ વૈદ્ય)