અમદાવાદઃ આજના મોંઘવારીના જમાનામાં આમ આદમી માટે ઘરના ઘરનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. અમદાવાદમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાના ઘરનું ઘર મેળવવા માટેનું સપનું પૂરું કરી શકે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત EWS પ્રકારના મકાનો બનાવવામાં આવશે. અમદાવાદના પોશ વિસ્તાર મોટેરા અને ઝુંડાલમાં 1400થી વધુ મકાનો બનાવવામાં આવશે. જેમાં ગાર્ડનથી લઈ 24 કલાક પાણી સાથેની સુવિધાઓ મળશે.
મળતી વિગત પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0’ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચાંદખેડા વોર્ડના ઝુંડાલ અને મોટેરા વિસ્તારમાં કુલ 1436 નવા 1 BHK ફ્લેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લાભાર્થીઓને પ્રાઈવેટ ફ્લેટ જેવી સુવિધાઓ ધરાવતું ઘર માત્ર રૂ. 7 લાખમાં મળશે. જેમાં મેન્ટેનન્સનો ચાર્જ પછીથી નક્કી થશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ઝુંડાલમાં 126 કરોડના ખર્ચે 126 ફ્લેટ અને મોટેરામાં રૂ. 137 કરોડના ખર્ચે 1310 ફ્લેટ બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ થશે અને આગામી 3 વર્ષમાં અરજીઓ મંગાવીને લાભાર્થીઓને ફ્લેટની ફાળવણી કરાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાનગી બિલ્ડરો કરતાં અડધી કિંમતમાં લોકોને તમામ આધુનિક સુવિધાઓ સાથે પોતાનું ઘર મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોને મળશે આ મકાન
મળતી વિગત પ્રમાણે, ત્રણ લાખથી ઓછી આવક ધરાવતાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આ મકાનો ફાળવવામાં આવશે. રાજ્ય સરકારની બે લાખ અને કેન્દ્ર સરકારની 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. મકાન મેળવવા માટે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ફરવાનું રહેશે.
કેવી હશે સુવિધાઓ
આ મકાનો 35 ચોરસ મીટર એરિયાના હશે. જેમાં આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટથી બાંધકામ, વિટ્રિફાઈડ ટાઈલ્સ ફ્લોરિંગ, 4 સેન્ડવિચ કોટાસ્ટોનનું કિચન પ્લેટફોર્મ, રસોડામાં રાંધણ ગેસ માટે પીએનજી લાઈન, પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડિંગ વિન્ડોઝ, કેમ્પસમાં આરસીસી દરવાજા, પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ, 24 કલાક પાણી અને ડ્રેનેજની સુવિધા, બાળકો માટે ગાર્ડન જેવી સુવિધાઓ હશે.