Sat Aug 29 2026

Logo

જાળું નહીં, પણ 'કોથળી' બનાવીને રહે છે આ કરોળિયા: કચ્છના શુષ્ક વિસ્તારોમાંથી મળી અનોખી સફળતા

2026-03-09 10:14:00
Author: Mumbai Samachar Team
જાળું નહીં, પણ 'કોથળી' બનાવીને રહે છે આ કરોળિયા: કચ્છના શુષ્ક વિસ્તારોમાંથી મળી અનોખી સફળતા

 

કચ્છ યુનિવર્સિટી અને લાલન કોલેજના સંશોધકોએ ‘યેલો સેક સ્પાઈડર’ની ત્રણ નવી પ્રજાતિઓ શોધી"

ભુજઃ  કચ્છના રણ અને તેની આસપાસની જૈવ વિવિધતાએ ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભુજ પાસેના કુકમા નજીકના જંગલોમાંથી પશ્ચિમ ભારતની એક અનોખી શોધ સામે આવી છે. કચ્છ યુનિવર્સિટી અને આર. આર. લાલન કોલેજના સંશોધકોએ જીવવિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવતા કરોળિયાની ત્રણ દુર્લભ પ્રજાતિઓ શોધી કાઢી છે.

કોણે કર્યું સંશોધન

આ સંશોધન લાલન કોલેજના ઝૂઓલોજી વિભાગના વડા પ્રણવ જે. પંડ્યા અને સંશોધક સુભાષ આઈ. પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધન તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંતરરાષ્ટ્રીય જર્નલ 'એન્ટોમોલોજિકલ ન્યૂઝ'માં સ્થાન પામ્યું છે. આ શોધ સાથે પશ્ચિમ ભારત અને ગુજરાતમાં કરોળિયાની ‘યેલો સેક સ્પાઈડર’ ફેમિલીની હાજરી પ્રથમવાર સત્તાવાર રીતે નોંધાઈ છે.

આ અંગે પ્રણવ જે. પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કુકમાના જંગલોમાંથી યલો સ્પાઈડર્સની કાઈરાકેન્થિયમ એડજેસેન્સોઈડ્સ, કાઈરાકેન્થિયમ ઈન્સીગ્ને, કાઈરાકેન્થિયમ ઈરાનિકમ નામની પ્રજાતિઓ મળી આવી છે. આ કરોળિયા સામાન્ય કરોળિયાની જેમ ગોળ જાળું બનાવતા નથી. તેઓ દિવસ દરમિયાન આરામ કરવા માટે પાંદડાની વચ્ચે અથવા પથ્થરો નીચે રેશમની નાની કોથળી જેવું ઘર બનાવે છે, જેના કારણે તેમને 'સેક સ્પાઈડર' કહેવામાં આવે છે.

તેઓ રાત્રિના સમયે સક્રિય થાય છે. શિકાર શોધવા માટે તેઓ પોતાના આગળના બે લાંબા પગનો ઉપયોગ 'એન્ટેના'ની જેમ કરે છે. આ પ્રજાતિઓ શિકારના શરીરમાં ઝેર છોડી તેને લકવાગ્રસ્ત કરી દે છે અને ત્યારબાદ તેને ખોરાક તરીકે આરોગે છે.આશરે ૫ થી ૧૦ મિલીમીટરના કદના આ કરોળિયા આછા પીળા, બદામી કે લીલાશ પડતા રંગના અને સહેજ પારદર્શક હોય છે.

અત્યાર સુધી ભારતમાં 'કાઈરાકેન્થિયમ' વંશના કરોળિયાની પ્રજાતિ પર પૂરતું સંશોધન થયું નહોતું. કુકમાના શુષ્ક વિસ્તારોમાંથી થયેલી આ શોધ ભારતમાં કરોળિયાના વિતરણ, વિવિધતા અને તેમની પરિસ્થિતિકીય ભૂમિકાને સમજવામાં ક્રાંતિકારી સાબિત થશે. આ નવો રેકોર્ડ કચ્છના વન્યજીવ પ્રેમીઓ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં દીવાદાંડી સમાન માર્ગદર્શક બનશે. 

આ શોધ માત્ર કચ્છ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતના વન્યજીવ અભ્યાસ માટે માર્ગદર્શક સાબિત થશે. આગામી સમયમાં વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)