અમદાવાદ: ગુજરાતમાં સરકારી નોકરી તૈયારી કરતા યુવાનો માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પોલીસમાં ભરતીની જાહેરાત થવાની છે તેવી ચર્ચા ચાલી રહી હતી, ત્યારે આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે આ અટકળોની પૃષ્ટી કરીને પોલીસની તૈયારી કરનારા ઉમેદવારોને સાબદા થવાનો સંકેત આપી દીધો છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ષ 2026-27 માટે લોકરક્ષક કેડરની નવી ભરતીની પૂર્વ-જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 3000 જેટલી જગ્યાઓ કે જેમાં UPC-1000, APC-1000 અને SRPF-1000 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. જો કે આ આ જગ્યાઓમાં હજુ પણ વધારો થાય તેવા સંકેતો છે કારણ કે તે દિશામાં સરકારની વિચારણા ચાલી રહી હોવાનું ભરતી બોર્ડે જણાવ્યું છે.
લોકરક્ષક કેડરની નવી ભરતી અંગેની જાહેરાત ટુંક સમયમાં આવનાર છે. ભરતીમાં ભાગ લેવા ઇચ્છા ધરાવનાર તમામે અગાઉથી દોડની તૈયારી શરૂ કરવા માટે સલાહ છે. pic.twitter.com/I0NkCcXSqz
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) August 29, 2026
આ ભરતી માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ માન્યતા પ્રાપ્ત પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે. આ અંગેની સત્તાવાર અને વિસ્તૃત જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 માં પ્રસિદ્ધ થવાની પ્રબળ સંભાવના છે.
ભરતી બોર્ડે ઉમેદવારોને અત્યારથી જ દોડની તૈયારી શરૂ કરી દેવા ખાસ સલાહ આપી છે, કારણ કે શારીરિક કસોટી ડિસેમ્બર-2026 અથવા જાન્યુઆરી-2027 માં શરૂ થવાની શક્યતા છે. શારીરિક દોડ કસોટીમાં ક્વોલિફાય થવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે: પુરુષોએ 5000 મીટર 25 મિનિટમાં, મહિલાઓએ 1600 મીટર 9:30 મિનિટમાં અને માજી સૈનિકોએ 2400 મીટર 12:30 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે. શારીરિક કસોટી બાદ, લેખિત પરીક્ષાનો સંભવિત સમય માર્ચ અથવા એપ્રિલ-2027 દર્શાવવામાં આવ્યો છે.