Mon Aug 24 2026

Logo

યશપાલ શર્માઃ બાહોશ અને ભરોસાપાત્ર બૅટ્સમૅનની આજે 72મી જન્મતિથિ

2026-08-11 17:57:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ એક મહિના પહેલાં ભારતના આક્રમક મિડલ-ઑર્ડર બૅટ્સમૅન યશપાલ શર્માની પાંચમી પુણ્યતિથિ હતી, પરંતુ આજે આપણે તેમને તેમના 72મા જન્મદિન નિમિત્તે ભાવભરી અંજલિ આપીશું અને તેમના પર્ફોર્મન્સીસને યાદ કરી લઈશું.

યશપાલ (Yashpal)નું 2021ની 13મી જુલાઈએ દિલ્હીમાં 66 વર્ષની ઉંમરે હૃદયરોગના ઘાતક હુમલા બાદ અવસાન થયું હતું. 1983 વર્લ્ડ કપના ચૅમ્પિયન ખેલાડી યશપાલ 1978થી 1985 સુધીમાં ભારત વતી 37 ટેસ્ટ અને 42 વન-ડે રમ્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેઓ પંજાબ, હરિયાણા અને રેલવે વતી રમ્યા હતા. યશપાલનો ભત્રીજો અને ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર ચેતન શર્મા ભારત વતી 1983થી 1994 સુધીમાં 23 ટેસ્ટ અને 65 વન-ડે રમ્યો હતો.

ભારતને મળેલા ભરોસાપાત્ર અને આક્રમક બૅટ્સમેનોમાં તેમ જ બૅટિંગ-લેજન્ડ તરીકે યશપાલ શર્માનું નામ અચૂક લેવાય છે. નીડર બૅટ્સમૅન તરીકે જાણીતા રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન યશપાલ 1970 અને 1980ના દાયકામાં ભારતની બૅટિંગ લાઇન-અપના એક આધારસ્તંભ હતા. તેમનામાં બૅટિંગને લગતી ટેક્નિક ઓછી હતી, પરંતુ બાહોશ (Courageous) તથા લડાયક અભિગમ તેમ જ એકાગ્રતા, સંકલ્પશક્તિ અને ધૈર્ય જેવા અનેક ગુણો બદલ તેઓ ક્રિકેટ જગતમાં વિખ્યાત હતા. મજબૂત ડિફેન્સની સાથે આક્રમક સ્ટાઇલથી રમવા બદલ તેઓ કરોડો ક્રિકેટપ્રેમીઓના ફેવરિટ ખેલાડી હતા. ભારતને તેમણે કટોકટીના સમયે ઘણી મૅચોમાં પરાજયથી બચાવ્યું હતું તેમ જ ઘણી મૅચોમાં વિજય પણ અપાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત તક મળતાં તેમણે કુલ 79 મૅચમાં 2,500 જેટલા રન બનાવ્યા હતા. જોકે ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે 21 સેન્ચુરીની મદદથી કુલ 8,933 રન બનાવ્યા હતા.

1981-'82ની સીઝનમાં મદ્રાસમાં ઇંગ્લૅન્ડ સામે યશપાલે 140 રનની ઇનિંગ્સ સાથે ગુંડપ્પા વિશ્વનાથ સાથે 316 રનની વિક્રમજનક ભાગીદારી કરી હતી. યશપાલ એવા મિડલ-ઑર્ડર બૅટ્સમૅન હતા જેઓ ક્રીઝમાં જામી જતાં તેમને આઉટ કરવાનું કામ ભલભલા બોલર માટે મુશ્કેલ થઈ જતું હતું. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બૉબ વિલિસને ફટકારેલી સિક્સર ભારતીય ક્રિકેટપ્રેમીઓ હજી નથી ભૂલ્યા. 1983માં ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં યશપાલનું મહત્ત્વનું યોગદાન હતું, પરંતુ 1983-'84ની સીઝનમાં પાકિસ્તાન તથા વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં તેઓ સારું નહોતા રમી શક્યા જેને કારણે ટેસ્ટ ટીમમાંથી તેમણે સ્થાન ગુમાવ્યું હતું અને તીવ્ર હરીફાઈને લીધે કમબૅક નહોતા કરી શક્યા. છેલ્લી ટેસ્ટ તેઓ નવેમ્બર, 1983માં રમ્યા હતા. તેઓ 2003થી 2008 દરમ્યાન બે વખત નૅશનલ સિલેક્ટર બન્યા હતા.