મુંબઈ: મુંબઈગરાઓને મુસાફરીમાં રોજબરોજ ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા ઘણા રૂટ પર મહત્તમ ગ્રાહ્ય ઝડપને હાલના 100થી 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. જયારે બીજી તરફ મુંબઈ-દિલ્હી ટ્રંક રૂટને પણ કલાકના 160 કિલોમીટરની ઝડપથી તૈયાર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના કોરિડોરમાં ટ્રેનોની સ્પીડ વધારવાને કારણે પ્રવાસીઓના ટ્રેનની મુસાફરીનો સમય પણ બચશે. ઝડપ વધારવાનો હેતુ મુસાફરીનો સમય ઘટાડવા, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને પ્રવાસીઓને ઝડપી કનેક્ટિવિટી પુરી પાડવાનો છે, એમ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ જણાવ્યું હતું.
અમે એવા રૂટને અપગ્રેડ કરી રહ્યા છીએ જ્યાં હાલમાં 100 કિમી પ્રતિ કલાક અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડે છે, જેથી 130 કિમી પ્રતિ કલાકની ઝડપ શક્ય બને. તે જ સમયે મુંબઈ-દિલ્લી ટ્રંક રૂટને 130 કિમી પ્રતિ કલાકથી 160 કિમી પ્રતિ કલાક સુધી અપગ્રેડ કરવા માટેનો પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે, એમ તેમણે જણાવ્યું હતું.
અધિકારીના મતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર શરૂ થયા પછી જો ગુડ્સ ટ્રેનના ટ્રાફિકને ડીએફસી રૂટ પર ખસેડવામાં આવે તો ભવિષ્યમાં વધુ પેસેન્જર ટ્રેન શરૂ થઈ શકે છે. હાલના તબક્કે પશ્ચિમ રેલવેએ વિવિધ રૂટ પર સંચાલન માટે ત્રણથી ચાર વંદે ભારત સ્લીપર ટ્રેનોની માંગ પણ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
બાંદ્રામાં ગરીબનગર માટે પશ્ચિમ રેલવેની યોજનાઓ જેમાં ગેરકાયદે ઝૂંપડાંઓ તોડી પાડવાના લીધે આ યોજનાઓ પ્રકાશમાં આવી હતી જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તે સ્થાન પર પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. તદુપરાંત ડીઝલના શેડ જેવી કેટલીક સુવિધાઓનું સ્થાનાંતરણ કરવામાં આવશે. આ માળખાઓને સ્થાનાંતરિત કરીને બાંદ્રા ટર્મિનસ પર દસ નવી સ્ટેબલિંગ લાઈન બનાવવામાં આવશે. જેનાથી ટર્મિનસથી ઓછામાં ઓછી દસ નવી ટ્રેનો શરૂ થઈ શકશે.
મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના પાંચેય પ્લેટફોર્મને આગામી બે વર્ષમાં તબક્કાવાર લંબાવવામાં આવશે, જેનાથી 24 કોચવાળી ટ્રેન ત્યાં પહોંચી શકે .હાલમાં વ્યસ્ત રેલવે ટર્મિનસ પરથી ફક્ત 22 કોચવાળી ટ્રેનો જ દોડી શકે છે. છેલ્લા બે મહિનામાં પશ્ચિમ રેલવેથી મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 0.2 ટકા જેટલો ઘટાડો હતો. જોકે, આ ઘટાડો સૂચવે છે કે કેટલાક પ્રવાસીઓ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હોઈ શકે છે.