મુંબઈ: વરલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આયોજિત રેલીને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે લોકોને હેરાનગતિ થઇ હતી, આ દરમિયાન એક મહિલા રાહદારીએ મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજન અને સ્થાનિક પોલીસને ઠપકો આપ્યો હતો અને ઝડપથી રોડ ખાલી કરવા કહ્યું હતું.
રાજ્યમાં મહાયુતિ ગઠબંધન હેઠળના શાસક પક્ષ ભાજપે વરલીમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન સામે એક વિરોધ રેલી યોજી હતી. તાજેતરમાં સંસદમાં પરિસીમન ખારોડા સામે વોટીંગ કરવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષના પક્ષોનો વીરોધ કરવા ભાજપે રેલીનું આયોજન કર્યું હતું.
રેલીને કારણે ભારે ટ્રાફિક જામ:
ગઈ કાલે મંગળવારે સાંજે 5 વાગ્યે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. રેલીનો નિર્ધારિત રૂટ વર્લીના જાંભોરી મેદાનથી અને ડોમ સુધી હતો. જાંભોરી મેદાન વિસ્તાર એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને રસ્તાઓ પર સામાન્ય રીતે ભારે ટ્રાફિક રહે છે, એવા આ રેલીને કારણે ભારે ટ્રાફિક થયો હતો.
મહિલા કલાકો સુધી ફસાયેલી રહી:
રેલી શરુ થવામાં વિલંબ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક સ્થાનિક મહિલા, જે તેના બાળકને શાળાએથી લેવા કાર લઇને જઈ રહી હતી, ત્યારે તેની ગાડી કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી રહી. રોષે ભરાયેલી મહિલાએ કારમાંથી નીકળીને રેલી તરફ પહોંચી અને જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજનને ઉગ્ર શબ્દોમાં ઠપકો આપ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મંત્રી અને પોલીસ અધિકારીને ખખડાવ્યા:
મહિલાએ આવી રાજકીય રેલીઓને કારણે જાહેર જનતાને થતી અસુવિધા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. મહિલાએ કડકશબ્દોનો ઉપયોગ કર્યો. વિડીયોમાં મહિલા બુમો પાડીને કહી રહી છે ‘ગેટ આઉટ ઓફ હિયર’ (અહીંથી નીકળી જાઓ!).
મુંબઈ પોલીસ અધિકારીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ એક પોલીસ અધિકારીને પણ ખખડાવી નાખ્યા. મહિલાએ કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવાઓ. અધિકારીઓ મહિલાને રસ્તાની બાજુમાં લઈ ગયા અને તેની સમસ્યા સાંભળવાનો પ્રયાસ કર્યો.