Sun Oct 04 2026

Logo

તાવ, માથાનો દુખાવો અને પેટમાં દુખાવો? ઉનાળામાં આ લક્ષણોને સામાન્ય માનીને અવગણશો નહીં, નહીંતર પસ્તાશો...

2026-04-17 13:44:00
Author: Darshana Visaria
તાવ, માથાનો દુખાવો અને પેટમાં દુખાવો? ઉનાળામાં આ લક્ષણોને સામાન્ય માનીને અવગણશો નહીં, નહીંતર પસ્તાશો...

 

અત્યારે કાળઝાળ ગરમીનું મોજું રાજ્ય સહિત દેશભરમાં ફરી વળ્યું છે. ઉનાળાની ઋતુમાં માત્ર પારો જ નથી વધતો, પરંતુ તેની સાથે બીમારીઓનું પ્રમાણ પણ વધે છે. જો તમને પણ અત્યારે તાવ, માથાનો દુખાવો અને પેટની ગરબડ જેવી સમસ્યાઓ એકસાથે સતાવી રહી છે, તો સાવધ થઈ જવાની જરૂર છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ગરમી અને ભેજનું મિશ્રણ બેક્ટેરિયા અને વાયરસ માટે ઉછેર કેન્દ્ર સમાન હોય છે, જે સીધી તમારી ડાઈજેશન સિસ્ટમ પર અટેક કરે છે. ચાલો જાણીએ કે આખરે ઉનાળામાં કેમ આ સમસ્યાઓ સતાવે છે અને એનું સમાધાન શું છે... 

ઉનાળાની ઋતુ આવે એટલે ફૂડ અને પાણી સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ સિઝન બેક્ટેરિયા માટે ખૂબ જ અનુકુળ હોય છે અને જેવા તેઓ શરીરમાં પ્રવેશે છે, તરત જ અસર બતાવવાનું શરૂ કરી દે છે. આ સમયે અનેક લોકોને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય સતત ઉલટી અને ઝાડાને કારણે શરીરમાંથી પાણી ઝડપથી ઓછું થઈ જાય છે.

નિષ્ણાતોના મટે કેટલાક લોકોમાં તો આ સમયે જ્યારે શરીર ઇન્ફેક્શન સામે લડે છે અને પાણીની અછત સર્જાય છે, ત્યારે તીવ્ર તાવ અને માથાનો દુખાવો શરૂ થાય છે, જે લાંબા સમય સુધી નબળાઈ લાવવાનું કારણ બને છે. 

કોને સૌથી વધુ જોખમ છે?
બાળકો, વૃદ્ધ તેમ જ જે લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે, એવા લોકો આ ઈન્ફેક્શનના ચપેટમાં ઝડપથી આવી જાય છે. આ ઉપરાંત, બહારનું ખુલ્લું ખાનારા, વારંવાર પ્રવાસ કરનારા અને અશુદ્ધ પાણી પીનારા લોકોએ તો આ સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. 

બચાવ માટેની ખાસ ટિપ્સ:
બીમારી અને સમસ્યાનું કારણ અને લક્ષણો વિશે તો જાણી લીધું. પરંતુ હવે તેનાથી બચવા માટે શું કરવું એવો સવાલ થઈ રહ્યો હોય તો આ રહ્યો તમારા સવાલનો જવાબ-
1.    હંમેશા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ પીવો.
2.    બહારનું કાચું કે ખુલ્લું ભોજન ટાળો. હંમેશા ગરમ અને તાજો ખોરાક જ લો, કારણ કે ગરમીથી બેક્ટેરિયા નાશ પામે છે.
3.    જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ બાદ હાથ ધોવાની આદત રાખો.
4.    જો બીમાર પડો તો માત્ર પાણી જ નહીં, પણ ઓઆરએસ, નાળિયેર પાણી કે લીંબુ શરબત જેવા પ્રવાહી લેતા રહો જેથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાઈ રહે.

છે ને એકદમ કામની માહિતી? આ ઉનાળામાં હાઈડ્રેટેડ રહો, હેલ્ધી રહો. આ કામની માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમને પણ હેલ્ધી રહેવામાં મદદ કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.