Sat Sep 05 2026

Logo

શું તમે પણ તજના નામે 'કેસિયા' ખાઈ રહ્યા છો? 90 ટકા લોકો કરે છે ભૂલ, તમે પણ તો નથી કરતાં ને?

2026-08-29 15:05:00
Author: Darshana Visaria
શું તમે પણ તજના નામે 'કેસિયા' ખાઈ રહ્યા છો? 90 ટકા લોકો કરે છે ભૂલ, તમે પણ તો નથી કરતાં ને?

ભારતીય રસોડામાં તજ એક એવો સુગંધિત અને ગુણકારી મસાલો છે, જેનો ઉપયોગ મસાલા ચા, શાક, બિરયાની, સ્વીટ્સથી લઈને વજન ઘટાડવા અને બ્લડ શુગર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારોમાં ભરપૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના બજારોમાં વેચાતા મોટાભાગના તજ અસલી નથી હોતા?

સર્ટિફાઇડ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, લગભગ ૯૦ ટકા લોકો અસલી સિલોન તજ અને નકલી (કેસિયા) વચ્ચેનો તફાવત જાણતા નથી. આપણે જેને વર્ષોથી તજ સમજીને વાપરીએ છીએ તે વાસ્તવમાં સસ્તું 'કેસિયા' (Cassia) હોઈ શકે છે, જેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

અસલી તજની ઓળખ:

જો તમે સ્વાસ્થ્ય લાભો કે વેઈટ લોસ માટે રોજ તજનો ઉપયોગ કરતા હોવ તો સિલોન તજ (સાચું તજ) શ્રેષ્ઠ છે. ઓરિજિનલ તજનો રંગ આછો કથ્થઈ હોય છે. આ તજની છાલ અત્યંત પાતળી અને સિગારેટ કે રોલની જેમ અનેક નાજુક સ્તરો (Multiple Layers) વાળી હોય છે અને  તેની છાલ નરમ હોવાથી હાથથી સહેલાઈથી તૂટી જાય છે અથવા પાઉડર બની જાય છે. આ ઉપરાંત ઓરિજનલ તજનો સ્વાદ હળવો મીઠો અને સુગંધ અત્યંત નાજુક અને સૌમ્ય હોય છે. આ તજમાં કૌમરિન (Coumarin)નું પ્રમાણ નહિવત હોય છે, જેથી તેનું નિયમિત સેવન લિવર માટે સંપૂર્ણપણે સલામત છે.

કેસિયાની ઓળખ:

ભારતીય કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં સૌથી વધુ કેસિયા વેચાય છે. આ કેસિયાનો રંગ રંગ ઘેરો કથ્થઈ અથવા લાલ-ભૂરો હોય છે. કલર સિવાય આ કેસિયાની છાલ પણ અલગ હોય છે, તે ખૂબ જ જાડું અને સખત લાકડું હોય છે, જેમાં સામાન્ય રીતે અંદર માત્ર એક જ જાડું પડ કે પોલો નળાકાર દેખાય છે. વાત કરીએ તેના સ્વાદની તો આ કેસિયાનો સ્વાદ વધુ પડતો તેજ, તીખો અને કડવાશ પડતો હોય છે. ઉપરાંત તે ખૂબ સખત હોય છે અને હાથથી સહેલાઈથી તૂટતું નથી.

કૌમરિન તત્વ વધારે હોય તો શું નુકસાન થાય?

કેસિયા તજમાં કુદરતી રીતે 'કૌમરિન' (Coumarin) નામનું તત્વ ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે. મેડિકલ સાયન્સ અનુસાર, જો કૌમરિનનું લાંબા સમય સુધી અને વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે લિવર (યકૃત) અને કિડની પર વધારાનું દબાણ લાવે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જો તમે દરરોજ તજનું પાણી કે ઉકાળો પીતા હોવ, તો કેસિયાને બદલે માત્ર ઓરિજિનલ સિલોન તજનો જ ઉપયોગ કરવો જોઈએ.

બજારમાંથી તજ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

- માત્ર સસ્તી કિંમત જોઈને મસાલા ન ખરીદો.
- પેકેજ્ડ મસાલા લેતી વખતે લેબલ પર 'Ceylon Cinnamon' (શ્રીલંકન તજ) લખેલું છે કે નહીં તે ખાસ ચકાસો.
- આખા તજ ખરીદતી વખતે તેની પાતળી પરતો અને આછા રંગ પરથી જ ગુણવત્તા નક્કી કરો.