Tue Apr 28 2026

Logo

ચેન્નઈએ 14.20 કરોડવાળા પ્રશાંત વીરને હજી સુધી કેમ માત્ર બે મૅચમાં રમાડ્યો?

2026-04-28 20:03:24
Author: Ajay Motiwala
Article Image

IPL


ચેન્નઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આ વખતે આઠમાંથી પાંચ મૅચ હારી ચૂકી છે અને એને પ્લેઇંગ-ઇલેવન વધુ મજબૂત બનાવવા માટે પચીસ ખેલાડીઓના સ્ક્વૉડમાં સમાવવામાં આવેલા યુવા તેમ જ અનુભવી ખેલાડીની ખાસ જરૂર છે, પરંતુ નવાઈની વાત એ છે કે ચાર મહિના પહેલાંના ઑક્શનમાં 14.20 કરોડ રૂપિયાના વિક્રમજનક ભાવે ખરીદવામાં આવેલા સ્પિન-ઑલરાઉન્ડર પ્રશાંત વીરને હજી સુધી આઠમાંથી બે જ મૅચમાં રમાડવામાં આવ્યો છે. તે ચેન્નઈને પ્રેશરમાંથી બહાર લાવી શકે છે, મિડલ ઓર્ડરની સમસ્યા દૂર કરી શકે છે તેમ જ બોલિંગ તથા બૅટિંગ, બન્નેમાં કામ લાગી શકે છે.

સૌથી મોટી નવાઈની વાત એ છે કે પ્રશાંતને રવીન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે (લેફ્ટ-આર્મ સ્પિનર અને બૅટ્સમૅન તરીકે) ડિસેમ્બરમાં મેળવવામાં આવ્યો હતો, પણ હજી સુધી તે આ વખતની આઇપીએલમાં બોલિંગ કરતો નથી જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જાડેજા રાજસ્થાનની ટીમમાં જોડાયો છે.

IPL

પ્રશાંતને હરાજીના બીજા મહિને ઈજા થયેલી

20 વર્ષનો પ્રશાંત વીર (PRASHANT VEER) મૂળ ઉત્તર પ્રદેશના અમેઠી શહેરનો છે. ડિસેમ્બર, 2025માં પ્રશાંતને સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં કેટલીક ટીમો સામેની હરીફાઈ વચ્ચે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને ખાસ તો ઉત્તર પ્રદેશની ટી-20 ટૂર્નામેન્ટમાં બતાવેલા પર્ફોર્મન્સ (155.00ના સ્ટ્રાઇક-રેટથી 320 રન અને આઠ વિકેટ) બદલ પસંદ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. જોકે બીજા જ મહિને (જાન્યુઆરી, 2026માં) પ્રશાંતને રણજી ટ્રોફી દરમ્યાન ઉત્તર પ્રદેશ વતી રમતી વખતે ખભામાં ઈજા થઈ હતી અને તેણે ત્રણ અઠવાડિયા આરામ કરવો પડ્યો હતો. તેને માત્ર ત્રણ ફર્સ્ટ-ક્લાસ મૅચનો અને ફક્ત 20 જેટલી ટી-20 સહિતની મૅચોનો અનુભવ છે.

બે મૅચમાં પ્રશાંતનો પર્ફોર્મન્સ કેવો રહ્યો?

ત્રીજી એપ્રિલે ચેન્નઈમાં પંજાબ સામેની મૅચમાં પ્રશાંતને સાતમા નંબરે મોકલવામાં આવ્યો હતો અને તે છ રને અણનમ રહ્યો હતો. પ્રશાંતને એ મૅચમાં બોલિંગ નહોતી આપવામાં આવી. ચેન્નઈનો એ મૅચમાં પાંચ વિકેટે પરાજય થયો હતો. પાંચમી એપ્રિલે બેંગ્લૂરુમાં પ્રશાંતને સાતમા નંબરે મોકલવામાં આવ્યો હતો અને તેણે 29 બૉલમાં એક સિક્સર અને છ ફોરની મદદથી 43 રન કર્યા હતા. એ મૅચમાં પણ ચેન્નઈની હાર થઈ હતી.

IPL

જોકે ત્યાર પછી પ્રશાંતને નથી રમાડવામાં આવ્યો. તે જાડેજાનો વિકલ્પ હોવા છતાં તેને બોલિંગ અપાઈ જ નથી. ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે કે જો પ્રશાંત (કોઈક પ્રકારની ઈજાને લીધે) બોલિંગ કરવા માટે ફિટ નથી તો પછી તેને બે મૅચમાં સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન તરીકે શું કામ રમાડ્યો? કોઈ સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅનને રમાડવો જોઈતો હતો. જો પ્રશાંત ફુલ્લી ફિટ છે તો પછી તેને બોલિંગ કેમ નથી આપવામાં આવતી? અને ગુજરાત ટાઇટન્સ સામેની 26મી એપ્રિલ (રવિવાર)ની મૅચમાં કેમ નહોતો રમાડવામાં આવ્યો? ચેન્નઈનું ટીમ-મૅનેજમેન્ટ સરફરાઝ ખાનને રમાડે છે જેની આઠ મૅચમાં ફક્ત એક હાફ સેન્ચુરી છે અને એક ઝીરો પણ છે, પણ પ્રશાંતને ફક્ત બે મૅચમાં રમાડ્યો છે.