Tue Jul 07 2026

Logo

ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ વિરાર સુધીની લોકલ સેવા ફરી બંધ, જાણો લેટેસ્ટ અપડેટ

2026-07-07 20:21:33
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય લાઈનની લોકલ ટ્રેનસેવા રાબેતા મુજબ દોડાવવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી. આમ છતાં ચર્ચગેટથી બોરીવલી/વસઈ સુધી ટ્રેનો ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલ્વે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જ્યારે હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.