કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી લઇને વિવાદ સર્જાયો છે. જેમાં ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા જૂથ દ્વારા મમતા બેનર્જીને પાર્ટીના વડા પદ પરથી દૂર કર્યા છે. ત્યારે મમતા બેનર્જીના જૂથ દ્વારા ટીએમસીની રાષ્ટ્રીય કારોબારીનું પુન: ગઠન કરવામાં આવ્યું છે. તેમજ વિગતો ભારતીય ચૂંટણી પંચને સોંપી છે.
મમતા બેનર્જી જૂથે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો
ટીએમસી નેતાઓના જણાવ્યા મુજબ ટીએમસી પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ વાસ્તવિક તૃણમૂલના બેનર હેઠળ પાર્ટી પર નિયંત્રણ મેળવવાના ઋતબ્રત બેનર્જીના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. મમતાએ ચૂંટણી પંચને નવી રચાયેલી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને અન્ય સંગઠનાત્મક સ્તરની નિમણૂકોની વિગતો ઇ-મેઇલ કરી હતી.
અભિષેક બેનર્જીને મહાસચિવ બનાવાયા
આ યાદીમાં મમતા બેનર્જીનું અધ્યક્ષ તરીકે અને અભિષેક બેનર્જીનું અખિલ ભારતીય મહાસચિવ તરીકે નામ છે. તેમજ તે ચંદ્રિમા ભટ્ટાચાર્યને રાજ્ય પ્રમુખ તરીકે ડેરેક ઓ'બ્રાયન અને ડોલા સેનને સંયુક્ત સચિવ તરીકે અને સુભાષિષ ચક્રવર્તીને ખજાનચી બનાવવામાં આવ્યા છે.
બળવાખોર જૂથે અરૂપ રોયને પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
આ પૂર્વે પશ્ચિમ બંગાળમાં એક મહત્વના રાજકીય ઘટનાક્રમમાં વિધાનસભામાં વિપક્ષ નેતા ઋતબ્રત બેનર્જીએ પાર્ટીના સ્થાપક મમતા બેનર્જીની ટીએમસીમાંથી હકાલપટ્ટી કરી હતી. તેમજ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરીને નવી ટીએમસી સમિતિની રચના કરી છે. જેમાં ઋતબ્રત જૂથે રવિવારે ન્યૂ ટાઉનની એક હોટલમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં 60 ધારાસભ્યો અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
હતા.
રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની પણ રચના
તેમજ નવી રચાયેલી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં સબીના યાસ્મીન, રથિન ઘોષ, ફિરહાદ હકીમ, અરૂપ બિસ્વાસ, જાવેદ ખાન અને અન્યનો સમાવેશ થાય છે. ઋતબ્રતે જણાવ્યું હતું કે જિલ્લા સમિતિઓ અને જિલ્લા પ્રમુખોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.