Mon May 11 2026

Logo

લગ્નસમારંભ બન્યો રણસંગ્રામ: બન્ને પક્ષ વચ્ચે ભયંકર મારામારી

2026-05-10 18:43:00
Author: Yogesh C Patel
Article Image

વસઈના હૉલમાં બનેલી ઘટનામાં લાકડીથી ફટકાર્યા, ખુરશીઓ ફેંકાઈ અને કપડાં પણ ફાટ્યાં: વીડિયો વાયરલ: સામસામી પોલીસ ફરિયાદ

મુંબઈ: વસઈમાં લગ્ન પત્યા પછી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લગ્નસમારંભ રણસંગ્રામમાં ફેરવાઈ ગયો હતો. દહેજ અને આપ-લેના વિવાદમાં બન્ને પક્ષ વચ્ચે થયેલી ભયંકર મારામારીમાં લાકડીઓ ચાલી અને ખુરશીઓ ફેંકાઈ હતી તો અમુકનાં કપડાં ફાટ્યાં હતા. આ ઘટનામાં કેટલાક ઘવાયા હોઈ બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મારામારીનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

મળતી માહિતી મુજબ લગ્નનો હૉલ રણમેદાનમાં ફેરવાયા પછી બન્ને પક્ષના લોકોએ માણિકપુર પોલીસમાં ફરિયાદ કરી હતી. વર પક્ષના માણસોએ 15થી 20 જણના જૂથે મારપીટ કર્યાની ફરિયાદ કરી હતી તો ક્ધયા પક્ષના લોકોએ પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર વસઈ પશ્ર્ચિમમાં સ્વાતંત્ર્યવીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના હૉલમાં લગ્નનું આયોજન કરાયું હતું. લગ્ન થયાં ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ બાદમાં બન્ને પક્ષના લોકો વચ્ચે વિવાદ થયો હતો.

કહેવાય છે કે દહેજની માગણી અને લગ્ન પછીની આપ-લેને મુદ્દે બોલાચાલી થઈ હતી. બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા પછી વાત મારામારી સુધી પહોંચી હતી. યુવાનો અને વડીલો સાથે મહિલાઓ પણ આ ધમાલમાં જોડાઈ હતી. મહિલાઓએ ગાળાગાળી કરી તો પુરુષો લડી લેવાના મૂડમાં હતા. જોતજોતાંમાં લગ્ન સ્થળ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું.

બન્ને પક્ષના લોકોએ કરેલી મારામારીમાં લાકડીનો ઉપયોગ કરાયો હતો તો ખુરશી એકબીજા પર ફેંકવામાં આવી હતી. વીડિયોમાં ખુરશીથી મારતા યુવાનો પણ નજરે પડે છે. આ ધમાલમાં અમુકનાં કપડાં ફાટ્યાં હતાં. આખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પ્રકરણે માણિકપુર પોલીસે ગુનો નોંધી અમુકને તાબામાં લીધા હતા. કહેવાય છે કે જખમીઓને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. વીડિયોને કારણે પોલીસને તપાસમાં ખાસ્સી મદદ મળી રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.