Tue Jun 09 2026

Logo

મુંબઈમાં પાણીની કટોકટી: નવા નિયમો સામે વોટર ટેન્કર એસોસિએશનની હડતાળ

2026-06-08 21:34:37
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: મુંબઈમાં પાણીની કટોકટી થતા પાણીની અછતની શક્યતા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીના નિયમોના અમલીકરણને કારણે ટેન્કર વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો છે. આના કારણે ટેન્કર માલિકોમાં સરકાર સામે ગુસ્સો છે અને તેમની હડતાળને કારણે મુંબઈમાં પાણીની સમસ્યા ગંભીર બને તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા નિયમોના વિરોધમાં મુંબઈમાં પાણીના ટેન્કર ડ્રાઇવરો અને માલિકોએ હડતાળનું એલાન કર્યું છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો સંગ્રહ ફક્ત 40 દિવસ પૂરતો છે. આવી સ્થિતિમાં, મુંબઈના વોટર ટેન્કર એસોસિએશને રવિવારે મધ્યરાત્રિથી ટેન્કર સેવા બંધ કરવાની જાહેરાત કરી છે.

ટેન્કર સેવાઓ બંધ થવાને કારણે મુંબઈમાં પાણીની કટોકટી વધુ વકરી શકે છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીના નવા નિયમો સામે ટેન્કર ડ્રાઈવરોના સંગઠનો આક્રમક બન્યા છે. સંગઠને દાવો કર્યો છે કે ભૂગર્ભજળ નિષ્કર્ષણ અને પરમિટ અંગેના નિયમોને કારણે સમસ્યાઓ ઊભી થઈ છે. 

સંગઠને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મ્યુનિસિપલ વહીવટીતંત્રને રજૂઆત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ ખાનગી ટેન્કરને રસ્તાઓ પર ચાલવા દેવામાં આવશે નહીં.

મ્યુનિસિપાલિટી દ્વારા 10 ટકાના ઘટાડા પછી જો ટેન્કરો બંધ કરવામાં આવે તો પરિસ્થિતિ ગંભીર બને તેવી આશંકા છે. આનાથી નાગરિકો, સોસાયટીઓ અને વાણિજ્યિક ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવે તમામ મુંબઈવાસીઓનું ધ્યાન સરકાર, મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને ટેન્કર એસોસિએશન વચ્ચે  શું ચર્ચા થશે તેના પર કેન્દ્રિત છે.

ટેન્કર એસોસિએશનની મૂળભૂત માંગણીઓ
૧. મુખ્ય પ્રધાન કાર્યાલય સાથે તાત્કાલિક બેઠક યોજવી
૨. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી નિયમોના અમલ અંગે એસોસિએશનનો પક્ષ સાંભળવો.
૩. પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બીએમસી અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચાલી રહેલી કાર્યવાહીને હંગામી ધોરણે સ્થગિત કરવી
૪. ટેન્કર ડ્રાઇવરો, કુવા માલિકો અને પાણી સપ્લાયર્સને જારી કરાયેલી નોટિસો પર પુનર્વિચાર કરવો
૫. સીજીડબ્લ્યુએના કેટલાક નિયમો અને પ્રક્રિયાગત શરતોમાં વ્યવહારુ ફેરફારો કરવા, કારણ કે તે વ્યવહારુ નથી
૬. કુવા માલિકોના વીજળી જોડાણો કાપી નાખવાની કાર્યવાહી બંધ કરવી
૭. ખાનગી પાણી પુરવઠા પ્રણાલીની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રે તાત્કાલિક ઉકેલ શોધવો
૮. માંગણીઓ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ટેન્કર વ્યવસાય સામે વહીવટી કાર્યવાહી બંધ કરવી