મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના શુભહસ્તે રવિ શાસ્ત્રી સ્ટૅન્ડનું તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટરો દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયેના એદલજીના નામના ગેટનાં ઉદ્દઘાટન કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે રવિ શાસ્ત્રી તથા એદલજી અને તેમના પરિવારજનો તેમ જ સરદેસાઈ તથા સોલકરના ફૅમિલી મેમ્બર્સ, બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને વર્લ્ડ ચૅમ્પિયન ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ તેમ જ એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇક તથા અન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા.
રવિ શાસ્ત્રીએ ભાવુક થઈને કહ્યું...
આ યાદગાર સન્માન પ્રસંગે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (MCA) ખાતે ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (RAVI SHASTRI) ભાવુક થઈ ગયા હતા. તેમણે પ્રવચનમાં કહ્યું, `મારી પત્ની અહીં છે અને પુત્રી પણ અહીં જ છે. તેમણે કયારેય મને રમતો નહોતો જોયો. મારી બહેન અહીં છે અને ભત્રીજા પણ અહીં જ છે. દરેક જણ અહીં આવ્યા છે. હું ખૂબ ખુશ છું. દુઃખ માત્ર એ વાતનું છે કે મારા પિતા કે જેઓ મારા હીરો હતા તેઓ આજે અહીં નથી.'
AMAY KHARADE
શાસ્ત્રીએ ભાવનાત્મક સ્પીચમાં એવું પણ જણાવ્યું હતું કે `અહીં વાનખેડેમાં જ્યારે પણ હું રમતો ત્યારે મારા પિતા ગરવારે પૅવિલિયન એન્ડ ખાતેથી મારી પ્રત્યેક મૅચ જોતા હતા. જોકે હવે તેઓ હયાત નથી, પરંતુ આ અવસર બદલ તેમના આત્માએ જરૂર ગર્વ અનુભવ્યો હશે.'
વાનખેડે (WANKHEDE)માં પ્રેસ બૉક્સની નીચેના સ્ટૅન્ડને રવિ શાસ્ત્રી સ્ટૅન્ડ નામ અપાયું છે. ખુદ શાસ્ત્રીએ જૂની યાદ તાજી કરતા કહ્યું, `15 વર્ષમાં મેં સિક્સર ઘણી ફટકારી હતી, પણ એક સિક્સર મને બરાબર યાદ છે. મેં અહીં ઑસ્ટ્રેલિયાના બ્રુસ રીડના બૉલમાં છગ્ગો માર્યો હતો અને એમાં બૉલ અહીંના સ્ટૅન્ડ (જેને હવે રવિ શાસ્ત્રી સ્ટૅન્ડ નામ મળ્યું છે)ની છત પર પડ્યો હતો અને એ મારી ફેવરિટ સિક્સર છે.'
AMAY KHARADE
ભારતીય મહિલા ક્રિકેટના પ્રણેતાં ડાયેના એદલજીએ વાનખેડેના એક ગેટને પોતાનું નામ અપાયું એ બદલ બેહદ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું, `મારા માટે તેમ જ તમામ મહિલા ક્રિકેટરો માટે આ મોટું ગૌરવ છે. હું જિંદગીમાં આ દિન ક્યારેય નહીં ભૂલું.'