મુંબઈ: વિરારમાં દુકાનનું શટર તોડીને 21.86 લાખ રૂપિયાના મોબાઈલ ચોરનારો ચોર તો પોલીસને હાથ ન લાગ્યો, પણ તેણે કુરિયરથી ઉત્તર પ્રદેશના વતનમાં મોકલેલા 83 મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર વિરાર પૂર્વમાં ચંદનસાર રોડ પરના પ્રભાકર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મોબાઈલ ફોનની દુકાનમાંથી 16 ફેબ્રુઆરીની રાતે અંદાજે 21.86 લાખ રૂપિયાની કિંમતના ફોન ચોરાયા હતા. દુકાન 16 ફેબ્રુઆરીની રાતે આઠ વાગ્યાની આસપાસ બંધ કરવામાં આવી હતી. બીજી સવારે દુકાન ખોલવા ફરિયાદી હૃષીકેશ ગુપ્તા આવ્યો ત્યારે ઘટનાની જાણ થઈ હતી.
બંધ દુકાનનું શટર તોડીને ચોર અંદર પ્રવેશ્યો હતો. દુકાનમાંથી મોટા ભાગના મોબાઈલ ચોરી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ બાદ વિરાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર અવિરાજ કુરાડેની ટીમે આ પ્રકારે ચોરી કરનારાઓના રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. દરમિયાન ચોરીમાં રીઢા આરોપી પપ્પુ ઉર્ફે અજમતઅલી મોહમ્મદઅલી શેખની સંડોવણી હોવાની ખાતરી થઈ હતી. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરનો વતની પપ્પુ હાલમાં નાલાસોપારાના ધાનીવબાગ વિસ્તારમાં રહેતો હતો. ચોરી પછી ફરાર થયેલો શેખ તેના વતન ગયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ યુપી જવા રવાના થઈ હતી.
દરમિયાન ચોરીના મોબાઈલ ફોન આરોપીએ એક ટ્રાવેલ્સ કંપનીમાંથી કુરિયર દ્વારા તેના વતન મોકલાવ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક કુરિયરને અટકાવ્યું હતું અને તાબામાં લીધું હતું. યુપી પહોંચવા પહેલાં જ હાથ લાગેલા કુરિયરમાંથી 83 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. અંદાજે 15.47 લાખ રૂપિયાના ફોન જપ્ત કરનારી પોલીસ આરોપીની શોધ ચલાવી રહી છે.