ચંદીગઢઃ પંજાબની કપૂરથલા જેલમાં શનિવારે રાત્રે હિંસા ફાટી નીકળી હતી. કેદીઓએ કથિત રીતે બેરેકમાં તોડફોડ, જેલના માળખાને નુકસાન અને જેલના કેટલાક ભાગોમાં આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે અરાજકતા ફેલાઇ હતી. આ ઘટના કેદીઓ વચ્ચે બોલાચાલી બાદ બની હતી. જે બાદમાં જેલ પરિસરમાં કેદીઓ અને અન્ડરટ્રાયલ કેદીઓ વચ્ચેની અથડામણમાં પરિણમી હતી.
આ ઝપાઝપી બાદ પોલીસે રવિવારે કેદીઓ પાસેથી લોખંડના સળિયા, લાકડીઓ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અધિકારીઓએ ટીયરગેસ શેલ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો.
પોલીસે જણાવ્યું કે અથડામણ દરમિયાન બે કેદીઓ ઘાયલ થયા હતા. જ્યારે અન્ય એક કેદી ટીયરગેસના શેલ લાગવાથી ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં કોઇ પોલીસ અધિકારી કે જેલ કર્મચારી ઘાયલ થયા નથી. આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. કપૂરથલા સેન્ટ્રલ જેલના બ્લોક-૪માં બંધ કેટલાક કેદીઓ વચ્ચે કોઇ વાતને લઇને અથડામણ થઇ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જેલ અધિકારીઓએ કેદીઓને લડતા અટકાવવા માટે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કેદીઓએ અધિકારીઓ સાથે ઝપાઝપી અને ધક્કા-મુક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો.
કપૂરથલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક(એસએસપી) ગૌરવ તૂરાએ જણાવ્યું કે જેલ સત્તાવાળાઓ તરફથી કેદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.
એસએસપીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ એક સ્થાનિક મામલો હતો. જેમાં બ્લોક-૪ના કેટલાક કેદીઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. બ્લોક-૪માં બંધ બધા કેદીઓ શાતિર ગુનેગારો છે. જેમના પર ચાર કે તેથી વધુ ફોજદારી કેસો નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપૂરથલા જેલમાં લગભગ ૪૦૦૦ કેદી છે.