(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાન પરિષદની ચૂંટણીની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક ખૂબ જ ચોંકાવનારી અને મોટી ઘટના પ્રકાશમાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોંગ્રેસને સીધી મહાત આપીને મોટી રમત બદલી નાખી છે. જ્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે રણનીતિ ઘડાઈ રહી છે, ત્યારે બીજી તરફ, એકનાથ શિંદેએ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
કોંગ્રેસ દ્વારા વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી આપવામાં આવેલા સાહેબરાવ કાંબલે તેમના સેંકડો કાર્યકરો સાથે જાહેરમાં શિવસેના શિંદે જૂથમાં જોડાઈ ગયા છે. આમાં, યવતમાળ જિલ્લાના ઉમરખીદ અને મહાગાંવના મોટાભાગના અગ્રણી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં શિવસેનામાં જોડાયા છે. આ વિપક્ષ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સત્તાધારી પક્ષમાં જ જોડાઈ ગયા છે. સાહેબરાવ કાંબલે નાટકીય રીતે વિધાન પરિષદની ચૂંટણીમાંથી ખસી ગયા હતા.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાહેબરાવ કાંબલેનું પક્ષમાં સ્વાગત કર્યું હતું અને તેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ‘સાહેબરાવ કાંબલે દ્વારા મહાયુતિના ઉમેદવાર દુષ્યંત ચતુર્વેદીને બિનહરીફ ચૂંટી કાઢવાનો અને તેમનું નામ પાછું ખેંચવાનો નિર્ણય પ્રશંસનીય છે. સાહેબરાવ હવે આ વિસ્તારમાં અમારા નેતા સંજય રાઠોડની તાકાત વધારવામાં ઘણી મદદ કરશે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે સાહેબરાવ કાંબલે ચોક્કસપણે ઈંટના ભઠ્ઠામાં કામ કરતી મહેનતુ મહિલાઓને ન્યાય અપાવવાનું કામ કરશે.
વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલા સાહેબરાવ કાંબલેએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ, પાર્ટીએ સાહેબરાવ કાંબલે સામે કાર્યવાહી કરીને તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે સાહેબરાવ કાંબલેએ મહાયુતિના પાલક પ્રધાને પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે મતના આંકડામાં મોટો તફાવત છે. તેમને સંપૂર્ણ ખાતરી હતી કે મહાયુતિનો ઉમેદવાર ત્યાં જીતશે, તેથી તેમણે આ નિર્ણય એ વિચારીને લીધો કે લોકોનું કામ કરવું એ ફક્ત ઉમેદવારી કરવા કરતાં વધુ મહત્વનું છે. શિંદેએ કહ્યું હતું કે, ‘હાલમાં વિપક્ષો પર કોઈનું નિયંત્રણ નથી. તેમનું એકબીજા પર કે પાર્ટી નેતૃત્વ પર બિલકુલ નિયંત્રણ નથી. તેઓ ફક્ત આરોપો લગાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ, મહાયુતિના તમામ 17 ઉમેદવારો ચૂંટાઈ આવશે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહેબરાવના પ્રવેશને કારણે યવતમાળ સહિત સમગ્ર વિદર્ભ ક્ષેત્ર પર મહાયુતિની પકડ મજબૂત થઈ છે.