(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી: રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પીઢ ગાયિકા સુમન કલ્યાણપુરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના મધુર અવાજ અને ભાવનાત્મક પ્રસ્તુતિઓએ દેશના સાંસ્કૃતિક જગતને સમૃદ્ધ બનાવ્યું.89 વર્ષના કલ્યાણપુરનું રવિવારે મુંબઈમાં વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓને કારણે અવસાન થયું હતું.
લોકપ્રિય ગાયિકા સુમન કલ્યાણપુરજીના અવસાનથી દુ:ખી છું. તેમના મધુર અવાજ અને ભાવનાત્મક પ્રસ્તુતિઓએ આપણા સાંસ્કૃતિક જગતને સમૃદ્ધ બનાવ્યું. તેમના ગીતો દ્વારા, તેમણે સંગીત પ્રેમીઓ અને ભારતીય સિનેમાના પ્રશંસકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું.
કલ્યાણપુરે 1960 અને 1970 ના દાયકા દરમિયાન તેમના મધુર અવાજથી લોકપ્રિયતા મેળવી. તે સમયના ટોચના ગાયિકા લતા મંગેશકરની સાથે પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવવામાં સફળ રહી.
Veteran playback singer Suman Kalyanpur
કલ્યાણપુરના કેટલાક લોકપ્રિય ગીતો ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચા’, ‘ના ના કરતે પ્યાર તુમ્હીં સે’, ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ અને બીજા ઘણા છે.રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મુએ સોમવારે કહ્યું હતું કે પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું અવસાન ભારતીય કલા જગત માટે એક ન પૂરી શકાય એવું નુકસાન છે અને તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ‘ભારતીય સંગીતને સમૃદ્ધ બનાવનાર સુમન કલ્યાણપુરનું અવસાન ભારતીય કલા જગત માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમણે હિન્દી અને મરાઠી તેમજ અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં તેમના સુરીલા ગાયનથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા,’ એમ મુર્મુએ હિન્દીમાં એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
Veteran playback singer Suman Kalyanpur
શાસ્ત્રીય સૂરથી લઈને લોકપ્રિય ગીતો સુધી, તેમના યોગદાનનો અવકાશ અત્યંત વિશાળ અને પ્રભાવશાળી છે, એમ રાષ્ટ્ર પ્રમુખે કહ્યું હતું. "તેમને પદ્મ ભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું,’ એમ મુર્મુએ કહ્યું હતું.