નવી દિલ્હીઃ ભારતે દરિયાઈ માર્ગે બિહારનાં સુપ્રસિદ્ધ સાત લાખ ટન મખાનાની નિકાસ કેનેડા ખાતે કરી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. વૈશ્વિક બજારમાં બિહારનાં પ્રીમિયમ ક્વૉલિટીનાં કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા સંદર્ભનું આ એક મહત્ત્વનું પગલું છે અને તેના થકી રાજ્યનાં મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનોની નિકાસનું વિસ્તરણ થયું હોવાનું મંત્રાલયે યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ સાત લાખ ટનનું ક્નસાઈન્મેન્ટ બે ક્નટેનરોમાં પેક કરવામાં આવ્યું હતું અને મુંદરા બંદરથી કેનેડાસ્થિત ઝેડકેવી ફૂડ્સને મોકલવામાં આવ્યું છે. સામાન્યપણે મખાનાને ફોક્સ નટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો બિહારના મુખ્ય કૃષિ ઉત્પાદનોમાં સમાવેશ થાય છે. તેમ જ દેશનાં કુલ ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન બિહાર રાજ્યમાં થાય છે.
આ પૂર્વે કર્ણાટકમાંથી સૌપ્રથમ વખત હવાઈ શિપમેન્ટ મારફતે નીલમ અને તોતાપુરી કેરીની માલદિવ્સ ખાતે નિકાસ કરવામાં આવી હતી.