નવી દિલ્હીઃ ભારતના લોકો સૌથી વધારે પ્રવાસ ટ્રેન દ્વારા કરતા હોય છે. રેલવે દ્વારા મુસાફરી માટે ખૂબ જ સારી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. વંદે ભારત ટ્રેન લાંબી યાત્રા માટે ખાસ મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતમાં અત્યારે કુલ 164 વંદે ભારત ટ્રેન સેવા ચાલે છે. આ ટ્રેનો દ્વારા રોજ હજારોની સંખ્યામાં લોકો પ્રવાસ કરે છે. પરંતુ હવે ભારતીય રેલવે દ્વારા ચાર વંદે ભારત ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાલો જાણીએ શું ફેરફાર થયો છે...
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય રેલવે મંત્રાલય દ્વારા દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોન હેઠળ કાર્યરત ચાર વંદે ભારત ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું નવું સમયપત્રક 15 માર્ચ, 2026 થી અમલમાં આવશે. આના કારણે સૌથી વધારે અસર બેંગલુરુ, હૈદરાબાદ અને કલબુર્ગીના લોકો પર પડશે તેવું પણ જાણવા મળ્યું છે.
આ રહ્યુ ચાર વંદે ભારતનું નવું સમયપત્રક
રેલવેની નવી આગમન સમયપત્રક અનુસાર, 20703 કાચીગુડા- યશવંતપુર વંદે ભારત ટ્રેન હિંદપુર સ્ટેશન પર 15:55 વાગ્યે પહોંચશે, જે પહેલાં 15:48 વાગ્યાના સમય કરતાં 7 મિનિટ મોડી છે. તે જ રીતે, 20704 યશવંતપુર -કાચીગુડા વંદે ભારત ટ્રેન હિંદપુર સ્ટેશન પર 12:17 વાગ્યે આવશે, જે પહેલાં 12:08 વાગ્યે આવતી હતી. 22231 કલાબુર્ગી-SMVT બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ શ્રી સત્ય સાઈ પ્રશાન્તિ નિલયમ પર 11:13 વાગ્યે પહોંચશે, જે પહેલા 11:00 વાગ્યે આવતી હતી. ત્યારબાદ 22232 SMVT બેંગલુરુ-કલાબુર્ગી જે યેલાહાંકા પર 12:58 વાગ્યે આવશે, જે પહેલાંના 12:28 વાગ્યે આવતી હતી. એટલે કે હવે તે 30 મિનિટ મોડી આવશે.
મહત્વની વાત એ પણ છે કે, 22232 SMVT બેંગલુરુ-કાલાબુર્ગી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેનના સમયપત્રકમાં પણ સુધારો કરવામાં આવ્યો હોવાની રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.